- નવાઝ શરીફની જેમ ઈમરાન ખાન પણ પાકિસ્તાન છોડી લંડન શિટ થઈ શકે છે.
ઇસ્લામાબાદ,
પાકિસ્તાનમાં અનેક રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે આ બધા વચ્ચે આસીમ મુનીરને નવા આર્મી ચીફ બનાવીને શાહબાજ શરીફે નવો દાવ ખેલ્યો છે. હવે ઈમરાન ખાનની રાજકીય કરિયર ખતમ થવાના આરે હોવાની અટકળો ચાલી રહી છે. પાકિસ્તાનમાં તો એવી પણ વાતો થઈ રહી છે કે નવાઝ શરીફની જેમ ઈમરાન ખાન પણ લંડન શિટ થઈ શકે છે. પાકિસ્તાનમાં મુશ્કેલી આવે ત્યારે મોટાભાગે નેતાઓને દેશમાંથી કાઢી મૂકવામાં આવતા હોય છે. અને હવે તો ઈમરાન ખાનને જે ડર હતો તે સાચો પણ પડી ગયો છે. પાકિસ્તાનમાં આગામી વર્ષે ચૂંટણી થવાની છે અને ત્યાં એવું જોવા મળ્યું છે કે આર્મી ચીફ જેની સાથે હોય તે પાર્ટીની સરકાર બને છે. ઈમરાન ખાનની પરેશાની પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.
આર્મી ચીફ મુદ્દે ઈમરાન ખાને કહ્યું હતું હતું કે તેઓ જે કરી રહ્યા છે તેનું સૌથી મોટું નુક્સાન શું છે. નવાઝ શરીફ જે પણ પોતાનો માણસ લાવશે, જેને પણ તેઓ પસંદ કરશે, તે પહેલા દિવસથી જ વિવાદિત થઈ જશે. કારણ કે તે નવાઝ શરીફના માણસ બની જશે. ઈમરાન ખાને કહ્યું હતું કે અમને તો તેમણે એ રીતે રાખ્યા છે જે જાણે કોઈ વિદેશી દુશ્મન હોઈએ. તેઓ એવી આશા કરી રહ્યા છે કે તેઓ પોતાનો માણસ લાવશે અને ઈમરાન ખાનને અને પીટીઆઈને ખતમ કરશે.
પાકિસ્તાનમાં નવેસરથી ગૃહયુદ્ધ શરૂ થવાની વાતો પણ થઈ રહી છે. ઈમરાન ખાનની આઝાદી માર્ચ હજુ ચાલુ છે. દાવો છે કે નવા આર્મી ચીફ પર પ્રેશર બનાવવા માટે તેઓ ૨૬ નવેમ્બરના રોજ રાવલપિંડીમાં રેલી કરશે. રાવલપિંડીમાં જ પાકિસ્તાન આર્મીનું હેડક્વાર્ટર છે. ઈમરાન ખાનનો દાવો છે કે ૨૬ નવેમ્બરે એવી રેલી થશે જે પાકિસ્તાનના ઈતિહાસમાં આજ સુધી નહીં થઈ હોય. ઈમરાન ખાન પહેલા પણ ધમકી આપી ચૂક્યા છે કે જો ચૂંટણીની તારીખની જાહેરાત ન થઈ તો તેઓ સમગ્ર દેશમાં ચક્કાજામ કરી નાખશે. તો શું પાકિસ્તાનમાં હવે રાજકીય સંકટ ગાઢ થવાનું છે? તમને યાદ હશે કે પાકિસ્તાનના રક્ષામંત્રીએ પહેલા જ ઈમરાન ખાનને ચેતવણી આપી હતી કે નવા આર્મી ચીફની નિયુક્તિનો અમલ પૂરો થતા જ તેમની ગઠબંધન સરકાર ઈમરાન ખાનને પણ પહોંચી વળશે. અત્રે જણાવવાનું કે જ્યારે લે.જનરલ મુનીર ડીજી આઈએસઆઈ હતા ત્યારે ઈમરાન ખાને પંજાબમાં ખરાબ સ્થિતિનો હવાલો આપતા તેમને પદેથી હટાવ્યા હતા. ઈમરાન ખાને દરેક શક્ય કોશિશ કરી કે જનરલ બાજવા બાદ મુનીરને આર્મી ચીફ બનાવવામાં ન આવે. ઈમરાન ખાન ઈચ્છતા હતા કે જનરલ બાજવાનો જ કાર્યકાળ આગળ વધારવામાં આવે. પરંતુ ઈમરાન ખાનની આ કોશિશો નિષ્ફળ ગઈ અને જનરલ આસીમ મુનીરને જ સેનાની કમાન સોંપવામાં આવી. બીજી બાજુ પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)નું કહેવું છે કે જનરલ મુનીર જ ઈમરાન ખાનને ધૂળ ચટાડી શકે છે.
બધુ મળીને ઈમરાન ખાનના કટ્ટર દુશ્મનને આર્મી ચીફ બનાવીને શાહબાજે ઈમરાન ખાનને બેચેન કરી નાખ્યા છે. ઈમરાન ખાન પોતાની પસંદના સેના પ્રમુખ ઈચ્છતા હતા કારણ કે પાકિસ્તાનમાં ગમે તે પળે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે અને પાકિસ્તાનના આર્મી ચીફ જેની સાથે હોય તે પાર્ટીની સરકાર બનતી હોય છે. સ્પષ્ટ છે કે આર્મી ચીફ બનીને મુનીર ઈમરાનને પાઠ ભણાવવાની કોશિશ કરી શકે છે. એટલું જ નહીં ઈમરાન ખાન અગાઉ સરકાર અને સેના વિરુદ્ધ યુદ્ધ છેડી ચૂક્યા છે. આવામાં અંદાજો લગાવવો મુશ્કેલ નથી કે ઈમરાન ખાન માટે જનરલ મુનીર કેટલી મોટી મુસીબત સાબિત થઈ શકે છે. હાલ તો શાહબાજે પોતાની પસંદના આર્મી ચીફ લાવીને ઈમરાન ખાનની વિકેટ ઉડાવી છે. હવે સવાલ એ છે કે આગામી ચૂંટણીમાં ઈમરાન ખાનનું શું થશે? શું તેઓ લંડન શિટ થશે?