- આતંકવાદીઓ વિસ્ફોટક સામગ્રી સાથે લાહોર પહોંચી ગયા છે. તેમના પર હુમલો થઈ શકે છે.
ઇસ્લામાબાદ,પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કોઈનાથી છુપી નથી. દરમિયાન, રાજકીય પરિસ્થિતિ પણ ખૂબ જ નાજુક છે. જ્યારથી પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને પહોંચી છે ત્યારથી લોકો શાહબાઝ સરકારને કોસવા લાગ્યા છે. પૂર્વ પીએમ ઈમરાન ખાનની લોકપ્રિયતા ઝડપથી વધી છે. તેમની રેલીઓમાં ભારે ભીડ ઉમટી રહી છે. હવે પાકિસ્તાન સરકારને ડર છે કે તેને સિંહાસન છોડવું પડી શકે છે. પીટીઆઈ ચીફે લાહોરના મિનાર-એ-પાકિસ્તાન મેદાનમાં રેલી યોજી હતી. જોકે, તેમને રેલી કાઢવાની મનાઈ હતી. કહેવામાં આવ્યું હતું કે તેઓ આતંકવાદીઓના નિશાના પર છે.
પાકિસ્તાન સરકારની ચેતવણી છતાં ઈમરાન ખાને રેલીને સંબોધી હતી. આતંકવાદીઓનો ડર હતો એટલે તેણે બુલેટપ્રૂફ કન્ટેનરની અંદરથી ભાષણ આપ્યું. ઇમરાને કહ્યું કે, તમે ડરાવી-ધમકીઓ આપીને લોકોનો જુસ્સો ઓછો નહીં કરી શકો. ઈમરાનને કોર્ટમાંથી ૨૭મી સુધી રાહત મળી છે. તેની સામે ૧૪૩ કેસ નોંધાયેલા છે. પાકિસ્તાન સરકારે કહ્યું કે, આતંકવાદીઓ વિસ્ફોટક સામગ્રી સાથે લાહોર પહોંચી ગયા છે. તેમના પર હુમલો થઈ શકે છે. એટલા માટે ઈમરાને રેલી કેન્સલ કરવી જોઈએ, પરંતુ ઈમરાને રેલીને સંબોધી હતી. પાકિસ્તાન પોલીસે સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દીધો હતો. રસ્તાઓ પર બેરિકેડિંગ લગાવવામાં આવ્યા હતા.
ઈમરાને કહ્યું કે, સરકારે તેમના સમર્થકોને રેલીમાં આવવાથી રોક્યા હતા. પીટીઆઈના ૨૦૦૦ કાર્યકરોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. માર્ગમાં કન્ટેનર રાખવામાં આવ્યા હતા, જેના કારણે લોકો અહીં પહોંચી શક્યા ન હતા. જ્યારે માહિતી મંત્રીનું કહેવું છે કે, સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે આવું કરવામાં આવ્યું હતું. તેમને કહ્યું કે, પાકિસ્તાનના લોકોની સુરક્ષા કરવી અમારી જવાબદારી છે. એજન્સીઓ પોતાનું કામ કરી રહી હતી. તેમને એમ પણ કહ્યું કે, કોઈ કાર્યકરને રેલીમાં જતા રોકવામાં આવ્યા નથી. જ્યારે તેની પરવાનગી સરકાર દ્વારા જ આપવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું કે, રાવિ બ્રિજ અને રેલવે સ્ટેશનથી મિનાર-એ-પાકિસ્તાન જવાના માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. કેટલાક બજારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. જિયો ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે, પોલીસે રહીમ યાર ખાનના તમામ વિસ્તારોમાંથી પીટીઆઈ કાર્યકરોની ધરપકડ કરી છે. ઈમરાને ૧૩ માર્ચે રેલીની જાહેરાત કરી હતી. લાહોરનું મિનાર-એ-પાકિસ્તાન મેદાન પીટીઆઈ અને ઈમરાન બંને માટે ખાસ છે. ૨૦૧૩માં ઈમરાન ખાને પહેલા શક્તિ પ્રદર્શન કર્યું અને બાદમાં રાજકારણમાં ઝંપલાવ્યું હતું.