ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને ગુપ્ત માહિતી લીક કરવા બદલ ૧૦-૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. બંનેને ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ રચવામાં આવેલી વિશેષ અદાલત દ્વારા ગોપનીય માહિતી લીક કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. ઈમરાન ખાન (૭૧ વર્ષ) અને શાહ મહેમૂદ કુરેશી (૬૭ વર્ષ) રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના ચીફ ઈમરાન ખાનને જાહેર સભા દરમિયાન ગોપનીય રાજદ્વારી દસ્તાવેજો સાર્વજનિક કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ ઘટના ઈમરાન ખાનના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન બની હતી. જે દસ્તાવેજ સાર્વજનિક કરવામાં આવ્યો હતો તે યુએસમાં પાકિસ્તાની દૂતાવાસ દ્વારા મોકલવામાં આવ્યો હતો. તે દસ્તાવેજ ઈમરાન ખાન પાસેથી મળી આવ્યો નથી.
ગોપનીય દસ્તાવેજો સાર્વજનિક કરતી વખતે, ઈમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે અમેરિકાના ઈશારે તેમની સરકારને તોડી પાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ ઘટનાના થોડા સમય પછી, એપ્રિલ ૨૦૨૨ માં, ઇમરાન ખાનની સરકારને અવિશ્ર્વાસ મત દ્વારા સત્તા પરથી હટાવવામાં આવી હતી. ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવામાં આવ્યા બાદ તેમની સામે ૧૫૦થી વધુ કેસ નોંધાયા છે.