વોશિગ્ટન,
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના વડા ક્રિસ્ટાલિના જ્યોજવાએ ચેતવણી ઉચ્ચારી છે કે વૈશ્ર્વિક અર્થવ્યવસ્થાનો એક તૃતીયાંશ ભાગ, ૨૦૨૩ના વર્ષે મંદીમાં સપડાયેલો રહેશે. અમેરિકા, યુરોપિયન યુનિયન અને ચીનમાં મંદીના કારણે વર્ષ ૨૦૨૨ કરતાં ૨૦૨૩નું વર્ષ વધુ મુશ્કેલ રહેશે. રિપોર્ટ અનુસાર, આઈએમએફ દ્વારા વૈશ્ર્વિક અર્થતંત્રનો ત્રીજો ભાગ મંદીમાં સંપડાવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જે દેશો મંદીની ઝપેટમાં નથી તેઓ પણ ત્યાંના કરોડો લોકોને મંદી જેવું અનુભવશે.
આઇએમએફના વડાએ વધુમાં ચેતવણી ઉચ્ચારી છે કે, વિશ્ર્વની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા ચીનને ૨૦૨૩ની શરૂઆતમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. ચીનને જે મુશ્કેલી પડવાની છે તે તેની શૂન્ય-કોવિડ નીતિને કારણે અનુભવાશે. જો કે ચીનમાં ૨૦૨૨ માં જ ધીમી ગતીએ મંદીની શરુઆત થવા પામી હતી. છેલ્લા ૪૦ વર્ષમાં પ્રથમ વાર, ચીનનો વિકાસદર વૈશ્ર્વિક અર્થતંત્રની સરેરાશથી નીચે રહેવાની સંભાવના છે. આવું પહેલા ક્યારેય બન્યું નથી.
તેમણે એમ પણ કહ્યું કે, આગામી કેટલાક મહિનાઓ ચીન માટે મુશ્કેલ સમાન રહેશે. ચીનની વૃદ્ધિ પર અસર નકારાત્મક રહેવાની ધારણા છે. આ સિવાય અન્ય ક્ષેત્ર પર અસર નકારાત્મક રહેશે. વૈશ્ર્વિક વૃદ્ધિ પર મંદીને કારણે અસર નકારાત્મક રહેવાની સંભાવના વ્યક્ત કરવાાં આવી છે. રશિયા-યુક્રેન યુદ્ધ, વધતી જતી કિંમતો, ઊંચા વ્યાજ દરો અને ચીનમાં કોવિડ-૧૯ રોગચાળાની નવી લહેરથી વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા ઉપર એક પ્રકારે દબાણ સર્જાયુ છે.
ઑક્ટોબર ૨૦૨૨ માં, યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધ તેમજ વિશ્ર્વભરના દેશની મયસ્થ બેંકો દ્વારા વધતી કિંમતો પર નિયંત્રણ લગાવવાના પ્રયાસોને કારણે ૨૦૨૩ માટે તેના વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કર્યો હતો. મીડિયા અહેવાલ અનુસાર, મંદીની અસરને કારણે, ચીને તેની શૂન્ય કોવિડ નીતિને સમાપ્ત કરી દીધી છે. શૂન્ય કોવિડ નીતિને સમાપ્ત કરીને ચીન તેની અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે પછી, ભલેને દેશમાં કોરોના વાયરસ સંક્રમણ ઝડપથી ફેલાતુ હોય.