- સોના ચાંદીની માલમત્તા સાથે લાયસન્સ વાળી 12 બોરની બંદૂક તેમજ પાંચ જીવતા કારતુસ પણ ચોરાયા.
દાહોદ,દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરના ગેલોત ફળિયામાં ગત મોડી રાતે ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ઘરના દરવાજાનો નકુચો કાપીને તાળુ તોડી ઘરમાં પ્રવેશી તિજોરીનું તાળુ તોડી તિજોરી માંથી સોનાના દાગીના તથા બાર બોરની બંદુક તેમજ પાચ જેટલા જીવતા કારતુસ મળી રૂા.56,500ની મત્તા ચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું છે.
હાલ ગાંધીનગર જીલ્લાની રાંધેની ચોકડી, પાસે માણસે રોડ પર આવેલ સ્પર્શ કાઉન્ટી બંગલોઝમાં રહેતા અને ઝાલોદ તાલુકાના લીમડી ગામના મૂળ વતની 56 વર્ષીય લક્ષ્મણભાઈ ધુળાભાઈ ગેલોતના લીમડી નગરમાં ગેલોત ફળિયામા આવેલ બંધ મકાનને તસ્કરોએ ગતમોડી રાતના બે વાગ્યાના સુમારે નિશાન બનાવ્યું હતું અને બંધ મકાનના દરવાજાનો નકુચો કાપીને તાળુ તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં મૂકેલ તિજોરીનું તાળું તોડી તિજોરીમાંથી રૂપિયા 10,000ની કિંમતની આશરે અડધા તોલા વજનની દશેક વર્ષ જુની સોનાની ઝુમકી જોડ-1, રૂપિયા 5000ની કિંમતની આશરે ત્રણ ગ્રામ વજનની સોનાની વીંટી નંગ-1 તથા ઘરમાં મૂકેલ રૂપિયા 40,000ની કિંમતની લાયસન્સ નંબર-244/ડીએમ/ડોડા તા. 16-9-2008વાળી બાર બોરની બંદુક તથા રૂપિયા 1500ની કુલ કિંમતના પાંચ રાઉન્ડ કારતુસ મળી કુલ રૂપિયા 56,500ની મત્તા ચોરીને લઈ ગયા હતા.
આ સંબંધે ઘરધણી લક્ષ્મણભાઈ ધુળાભાઈ ગેલોતે નોંધાવેલ ફરિયાદને આધારે લીમડી પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી ડોગસ્કવોર્ડ તથા એફએસએલની મદદની માંગણી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.