- નારાજ પશુપતિ પારસે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું
પટણા, બિહારમાં એનડીએની બેઠકોની વહેંચણીથી નારાજ પશુપતિ પારસે કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. પશુપતિ પારસે મંગળવારે પત્રકાર પરિષદમાં આની જાહેરાત કરી હતી. પશુપતિ પારસ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના કેન્દ્રીય મંત્રી હતા. તેમણે ખૂબ જ ઈમાનદારી અને વફાદારી સાથે એનડીએની સેવા કરી. મારી સાથે અને પાર્ટી સાથે અન્યાય થયો, તેથી આજે હું કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામું આપું છું.સુત્રોના જણાવ્યા અનુસાર તેઓ રાજદની સાથે ગઠબંધન કરી શકે છે
પ્રેસ કોન્ફરન્સમાં પશુપતિ કુમાર પારસે કહ્યું, મેં મારું રાજીનામું મોકલી દીધું છે. ખૂબ પ્રામાણિક્તા અને વફાદારી સાથે એનડીએની સેવા કરી. આજે પણ હું પીએમ મોદીનો આભાર માનું છું, મારી સાથે અને પાર્ટી સાથે અન્યાય થયો, તેથી આજે હું કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામું આપું છું. પાર્ટી કાર્યર્ક્તાઓ સાથે વાત કર્યા બાદ હું તમને આગળના પગલા વિશે જણાવીશ. તમને જણાવી દઈએ કે બિહારમાં એનડીએમાં સીટ વહેંચણીમાં એક પણ સીટ પશુપતિ પારસના ખાતામાં આવી નથી.
પશુપતિ પારસ એ વાતથી પણ નારાજ હતા કે સીટ વહેંચણીની જાહેરાત પહેલા ભાજપના કોઈ મોટા નેતાએ તેમની સાથે વાત કરી ન હતી, જ્યારે ચિરાગ પાસવાને અમિત શાહ અને જેપી નડ્ડા સાથે વાત કરી હતી. કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપ્યા બાદ પશુપતિ ઈન્ડિયા એલાયન્સના સંપર્કમાં છે. પશુપતિ આરજેડી સુપ્રીમો લાલુ યાદવને મળશે.
પશુપતિ પારસે ઈન્ડિયા એલાયન્સ પાસે ૬ સીટોની માંગણી કરી છે. આરજેડી ત્રણ સીટો આપવા તૈયાર છે. નવાદા બેઠકને લઈને સમસ્યા છે. રાજદ નવાદા છોડવા તૈયાર નથી. પશુપતિ પારસને હાજીપુરથી અને રાજકુમાર રાજને સમસ્તીપુરથી ચૂંટણી લડવા દેવા પર સહમતિ બની છે.
બીજી તરફ ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોક મોરચા માત્ર એક સીટ મળવાથી નારાજ છે. કુશવાહને તેમની પાર્ટી માટે બે સીટ જોઈતી હતી.તેને કરકટ અને સુપૌલ અથવા સીતામઢીમાંથી એક સીટ જોઈતી હતી. સીટ વહેંચણીની જાહેરાત પહેલા ઉપેન્દ્ર કુશવાહાએ બીજેપી નેતૃત્વ સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પોતાની નારાજગીને કારણે કુશવાહાએ સીટ વહેંચણીની જાહેરાત કરવા માટે બીજેપી કાર્યાલયમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેમના પક્ષના કોઈ પ્રતિનિધિને મોકલ્યા ન હતા.
બીજેપીના મહાસચિવ અને પાર્ટીના બિહાર મામલાના પ્રભારી વિનોદ તાવડેના જણાવ્યા અનુસાર, બિહારમાં ભાજપ ૧૭ લોક્સભા સીટો પર અને જેડીયુ ૧૬ સીટો પર ચૂંટણી લડશે. ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોક મોરચા એક બેઠક પર અને જીતન રામ માંઝીની પાર્ટી ’હમ’ એક બેઠક પર ચૂંટણી લડશે.