વોશિગ્ટન, વિશ્ર્વના ટોચના અબજોપતિઓની યાદીમાં ઇલોન મસ્ક ફરી એકવાર વિશ્ર્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. સંપત્તિની રેસમાં તેણે બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે. ઇલોન મસ્કની નેટવર્થમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧.૯૮ અબજ ડોલરનો વધારો થયો છે
ઇલોન મસ્કે બર્નાર્ડ આર્નોલ્ટ પાસેથી અબજોપતિ નંબર વનનો તાજ છીનવી લીધો છે જે અત્યાર સુધી વિશ્ર્વના સૌથી ધનિક વ્યક્તિ હતા. હવે એલોન મસ્ક ૧૯૨ અબજ ડોલરની સંપત્તિ સાથે નંબર વન પર છે અને બર્નાર્ડ આર્નોલ્ટ ૧૮૭ અબજ ડોલરની સંપત્તિ સાથે નંબર બે પર છે. ગયા વર્ષે ઇલોન મસ્ક પાસેથી વિશ્ર્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિનો તાજ છીનવી લીધા બાદ સવાર સુધીમાં બર્નાર્ડ આર્નોલ્ટ અને ઇલોન મસ્ક વચ્ચે માત્ર ૨ અબજ ડોલરનું અંતર હતું. ગઈકાલ સાંજ સુધીમાં બર્નાર્ડની સંપત્તિમાં ૫.૨૫ અબજ ડોલરનો ઘટાડો થયો હતો અને બીજી તરફ ઈલોન મસ્કની સંપત્તિમાં ૧.૨૮ અબજ ડોલરનો વધારો થયો છે. આ કારણે મસ્ક આગળ નીકળી ગયા અને ફરીથી તેઓ વિશ્ર્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થમાં છેલ્લા કેટલાક દિવસોમાં તીવ્ર ઘટાડો થયો છે. બ્લૂમબર્ગના ૨૪ મે ૨૦૨૩ના ડેટા અનુસાર આર્નોલ્ટે ૨૪ કલાકની અંદર ૧૧.૨ અબજ ડોલરનું નુક્સાન સહન કરવું પડ્યું હતું. આ કારણે તેમની નેટવર્થ ૨૦૦ અબજ ડોલરની નીચે પહોંચી ગઈ હતી. હવે ફરી એકવાર તેમની એક દિવસમાં ૫.૨૫ અબજ ડોલરની સંપત્તિમાં મોટો ફટકો પડ્યો છે અને તેના કારણે તેમની પાસેથી નંબર-૧નો તાજ પણ છીનવાઈ ગયો છે.
અબજોપતિઓની યાદીમાં ભારતીય ઉદ્યોગપતિઓમાં ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી ટોપ-૨૦માં સામેલ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી ૮૪.૭ અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્ર્વના ૧૩મા સૌથી ધનિક વ્યક્તિ છે. આ સાથે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ૬૧.૩ અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે ૧૯મા ક્રમે છે.