ચેન્નાઈ,તમિલનાડુમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ચેન્નાઈમાં ચેટ્ટીનાદ જૂથ સાથે જોડાયેલા ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. અગાઉ ડિસેમ્બર ૨૦૨૦માં, આવકવેરા વિભાગે તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આ કંપનીના લગભગ ૬૦ જગ્યાઓ પર કાર્યવાહી કરી હતી. તે સમયે ૭૦૦ કરોડથી વધુની કરચોરીનો દાવો કરવામાં આવ્યો હતો.
આઈટી અધિકારીઓએ આ મામલે નિવેદન જારી કરીને કહ્યું હતું કે સર્ચ ઓપરેશન દરમિયાન ૨૩ કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ મળી આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ ૧૦૦ વર્ષ જૂનું આ ગ્રુપ સિમેન્ટ, મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક્સ, કન્સ્ટ્રક્શન સહિત અનેક ક્ષેત્રોમાં બિઝનેસ કરે છે.
નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે અધિકારીઓએ દરોડા દરમિયાન ફિક્સ ડિપોઝિટના સ્વરૂપમાં ૧૧૦ કરોડ રૂપિયાની વિદેશી સંપત્તિ સાથે સંબંધિત દસ્તાવેજો પણ શોધી કાઢ્યા હતા. ઈક્ધમટેક્સ રિટર્નમાં આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી અને બ્લેક મની એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
બીજી બાજુ, તમિલનાડુમાં, આવકવેરા વિભાગે રિયલ એસ્ટેટ ખાનગી કંપની જી સ્ક્વેરના અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે. ચેન્નઈ સિવાય કોઈમ્બતુર અને ત્રિચીમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. કંપનીના ૫૦થી વધુ સ્થળો પર સર્ચ કરવામાં આવી રહ્યું છે.