“ઈદે મિલાદુન્નબી”ના પર્વે ગોધરાની ઝકરીયા ઉર્દૂ પ્રા. શાળામાં નઅત શરીફ સ્પર્ધા યોજાઈ

ગોધરા, ખુદા તરફથી સમગ્ર માનવજાત માટે “રહમત”બનાવી મોકલવામાં આવેલ શ્રેષ્ઠ અને અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ.ના જન્મ દિનના શુભ અવસરે જીલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ પંચમહાલ સંચાલિત ગોધરાની ખ્યાતનામ એવી ઝકરીયા ઉર્દૂ પ્રાથમિક શાળામાં આજે નઅત શરીફનો સુંદર કાર્યક્રમ હાથ ધરાયો હતો.

ધોરણ-5ના વર્ગ શિક્ષક અસલા તાહીર દ્વારા આજના નઅત શરીફ કાર્યક્રમની બાળકોને પૂર્વ તૈયારી કરાવવામાં હતી, સાથે સાથે વાલી મિત્રોએ પણ પોતાના બાળકોને ઘરે તૈયાર કરી સમયસર શાળાએ મોકલી સાથ સહકાર આપ્યો હતો.

જેમાં બાળકોએ પોતાની આગવી શૈલી અને સૂરીલા અવાજમાં નઅત શરીફના સૂરો રેલાવી વાતાવરણને અજબ પયગમ્બરી પ્રેમથી મહેંકાવી દીધું હતું. જેથી કાર્યકમમાં ઉપસ્થિત સૌ હાજરજનો ખુશ થઇ ગયા હતા.

આ કાર્યક્રમમાં SMCના સભ્ય મૌલાના વસીમ મામજી અને શાળાના મદદનિશ શિક્ષક ઇલ્યાસ ચુરમલીએ કાર્યક્રમમાં નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી.

શાળાના મુખ્ય શિક્ષક મહંમદ બંગલી દ્વારા વિજેતા બાળકોને પ્રોત્સાહન રૂપે ઈનામ આપી સૌનો આભાર માની કાર્યક્રમ સમાપ્ત કરાયો હતો.