આઇસીઆઇસીઆઇ બેંક-વિડિયોકોન લોન કેસ: બોમ્બે હાઈકોર્ટે વેણુગોપાલ ધૂતને વચગાળાના જામીન આપ્યા

મુંબઇ,

બોમ્બે હાઈકોર્ટે આઇસીઆઇસીઆઇ બેંક  વીડિયોકોન લોન કેસમાં વીડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂતને વચગાળાની રાહત આપી છે. ૧ લાખની રોકડ રકમ રજૂ કર્યા બાદ તેઓ ન્યાયિક કસ્ટડીમાંથી બહાર આવી જશે.સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ ૨૬ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ આઇસીઆઇસીઆઇ લોન ફ્રોડ કેસમાં વીડિયોકોન ગ્રુપના પ્રમોટર વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી હતી. આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિની પણ સીબીઆઈ દ્વારા આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની મદદથી કથિત રીતે આઇસીઆઇસીઆઇ બેંક સાથે છેતરપિંડી કરવાના સંબંધમાં સીબીઆઇ દ્વારા ધૂતની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસ બેંક દ્વારા વીડિયોકોન ગ્રુપની કંપનીઓને મંજૂર કરવામાં આવેલી લોનમાં કથિત છેતરપિંડી અને અનિયમિતતા સાથે સંબંધિત છે. તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે આઇસીઆઇસીઆઇ બેંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, આરબીઆઇ ગાઈડલાઈન્સ અને બેંકની ક્રેડિટ પોલિસીનું ઉલ્લંઘન કરીને વેણુગોપાલ ધૂત દ્વારા પ્રમોટ કરાયેલ વીડિયોકોનની કંપનીઓને રૂ. ૩,૨૫૦ કરોડની ક્રેડિટ સુવિધાઓ મંજૂર કરી હતી.