મુંબઇ,ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ૫ મેચની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલે બેટ વડે ધૂમ મચાવી છે. તે આ ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટર છે. યશસ્વી જયસ્વાલે માત્ર ૪ મેચમાં ૬૦૦થી વધુ રન બનાવ્યા છે. જેમાં ૨ બેવડી સદી પણ સામેલ છે. આ સાથે જયસ્વાલે આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં પણ કમાલ કરી છે. તાજેતરમાં આઇસીસી દ્વારા જાહેર કરેલી ટેસ્ટ રેન્કિંગમાં જયસ્વાલને બે સ્થાનનો ફાયદો થયો છે. તે ૧૨મા નંબરે પહોંચી ગયો છે. આ સાથે જ તેણે ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. હવે તેનો ટાર્ગેટ વિરાટ કોહલી છે.
યશસ્વી જયસ્વાલ ૭૨૭ રેટિંગ પોઈન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગમાં ૧૨મા સ્થાને આવી ગયો છે. આ સાથે જ કોહલીને ૨ સ્થાનનું નુક્સાન થયું છે. કોહલી ૭૪૪ રેટિંગ પોઈન્ટ સાથે ૯મા નંબર પર આવી ગયો છે. જો આગામી કેટલીક મેચોમાં યશસ્વીનું વર્તમાન ફોર્મ ચાલુ રહેશે તો તે કોહલીને પાછળ છોડી શકે છે. કોહલી હાલમાં ભારતનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રમાંક્તિ બેટર છે અને ટોપ-૧૦માં એકમાત્ર ભારતીય છે. ગિલ ચાર સ્થાન આગળ વધીને ૩૧મા સ્થાને જ્યારે જુરેલ ૩૧ સ્થાન આગળ વધીને ૬૯મા સ્થાને પહોંચી ગયો છે. આ બંને ખેલાડીઓએ ચોથી ટેસ્ટમાં ૭૨ રનની અણનમ ભાગીદારી કરીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
જો રૂટે ભારતની બીજી ઇનિંગ દરમિયાન જયસ્વાલની વિકેટ લીધી હતી, જેના પછી તે ટેસ્ટ ઓલરાઉન્ડરોની યાદીમાં ત્રણ સ્થાનની છલાંગ લગાવીને ચોથા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે રવિન્દ્ર જાડેજા હજુ પણ ટોપ પર છે. ચોથી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હોવા છતાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ બોલરોની રેક્ધિંગમાં ટોપ પર યથાવત છે. કુલદીપ યાદવે ઈંગ્લેન્ડ સામે બીજી ઈનિંગમાં ૪ વિકેટ ઝડપી ૧૦ સ્થાનની છલાંગ લગાવીને ૩૨મા સ્થાને પહોંચી ગયો છે. આ તેના કરિયરની નવી ટોપ રેન્કિંગ છે.