
- પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ અને ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ હતા જેને પછાડીને બ્રૂકે એવોર્ડ પર કબજો કર્યો.
મુંબઇ,
ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન હેરી બ્રૂકને ડિસેમ્બર ૨૦૨૨ માટે આઇસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડના આ સ્ટાર ખેલાડીએ ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની અલગ છાપ છોડી છે. ડિસેમ્બર ૨૦૨૨ના મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડના બે અન્ય દાવેદારોમાં પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ અને ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ હતા જેને પછાડીને બ્રૂકે એવોર્ડ પર કબજો કર્યો છે.
૨૩ વર્ષીય બ્રૂકે પાકિસ્તાન વિરૂદ્ધ થયેલી ટેસ્ટ સિરીઝમાં અદ્ભુત પ્રદર્શન કરતા ત્રણ મેચમાં ૪૬૮ રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે આ સીરિઝ પર ૩-૦થી જીતી જેમાં બ્રૂકનું મહત્વનું યોગદાન હતું. રાવલપિંડીમાં સીરિઝની પહેલી મેચ અને પોતાની બીજી મેચ રમી રહેલા બ્રૂકે ૧૫૩ અને ૮૭ રનોની મજબૂત ઈનિંગ રમી હતી. પાકિસ્તાન વિરુદ્ધ બ્રૂકને પોતાના અવિશ્ર્વનિય પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સીરિઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાની એશલે ગાર્ડનરે પોતાના દમ પર ડિસેમ્બર ૨૦૨૨ માટે આઇસીસી વુમન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ પર કબજો કર્યો છે. આ એવોર્ડ જીત્યા બાદ ગાર્ડનરે કહ્યું કે પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મેળવીને ગૌરવાંતિત છે. ખાસ કરીને એ જોઈને કે આ સમયે ક્રિકેટમાં ઘણા સારા ખેલાડીઓ છે. ગત મહિને ભારત વિરૂદ્ધ સીરિઝમાં પોતાનું શાનદાર વ્યક્તિગત પ્રદર્શન કર્યા બાદ ગાર્ડનરે આ એવોર્ડ જીત્યો હતો. તેમણે ઈંગ્લેન્ડની ચાર્લી ડીન અને ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સને પછાડીને આ એવોર્ડ જીત્યો છે.
આઇસીસી એવોર્ડ ૨૦૨૨માં કુલ ૧૩ શ્રેણી સામેલ છે. જેમાં વિભિન્ન ક્રિકેટ પ્રારુપો માટે ઘણા એવોર્ડ ખેલાડીઓને વ્યક્તિગત રૂપથી આપવામાં આવે છે.આઇસીસી ટૂંક સમય જ આ વિજેતાઓના નામ જાહેર કરશે. આ એવોર્ડ ૨૦૦૪થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. આના પ્રમુખ એવોર્ડમાં આઇસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર માટે પ્રતિષ્ઠિત સર ગારફીલ્ડ સોબર્સ ટ્રોફી અને આઇસીસી વુમન્સ ક્રિકેટર ઓફ ધ યર માટે રાચેલ હેહોઈ લિંટ ટ્રોફી પ્રમુખ છે.