ટ્રેઇની આઇએએસ પૂજા ખેડકરની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે સમાચાર આવ્યા છે કે પુણે પોલીસ પૂજા ખેડકરના મેડિકલ સટફિકેટની સત્યતાની તપાસ કરશે. તાલીમાર્થી આઇએએસ પૂજા ખેડકર પર શારીરિક વિકલાંગતા શ્રેણી હેઠળ અન્યાયી રીતે લાભ લેવાનો આરોપ છે. ૨૦૨૩ બેચની આઇએએસ ઓફિસર પૂજા ખેડકરની તાજેતરમાં પુણેથી વાશિમ જિલ્લામાં બદલી કરવામાં આવી હતી.
મહારાષ્ટ્ર કેડરની આઇએએસ ઓફિસર પૂજા ખેડકર પર યુનિયન પબ્લિક સવસ કમિશનની પરીક્ષા અયોગ્ય રીતે પાસ કરવાનો આરોપ છે. જેમાં તેણે ઘણી શારીરિક સમસ્યાઓ હોવાનો દાવો કર્યો હતો.આઇએએસ પૂજા ખેડકરે યુનિયન પબ્લિક સવસ કમિશનને તેના ઘણા તબીબી પ્રમાણપત્રો સબમિટ કર્યા હતા, જેમાંથી એકમાં તેણીએ તેની આંખોમાં સમસ્યાનો ઉલ્લેખ કર્યો હતો, જેના કારણે તેણે દ્રષ્ટિમાં થોડી સમસ્યા હોવાનો દાવો કર્યો હતો. આઈએએસ અધિકારીએ પોતાને ઓબીસી નોન-ક્રિમી લેયર કેટેગરીના ગણાવ્યા હતા, પરંતુ તેમની સંપત્તિ અને તેમના પિતાની સંપત્તિ અંગેના ઘટસ્ફોટ પછી તેમના દાવા પર પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તાલીમાર્થી આઇએએસ અધિકારી પર પુણેમાં પોસ્ટિંગ દરમિયાન પોતાની સત્તાનો દુરુપયોગ અને વિશેષાધિકારોનો દુરુપયોગ કરવાનો આરોપ છે. પુણે જિલ્લા મેજિસ્ટ્રેટે મુખ્ય સચિવને આ અંગે ફરિયાદ કરતો પત્ર પણ લખ્યો હતો. આ પછી આઇએએસ પૂજા ખેડકરની પુણેથી વાશિમ બદલી કરવામાં આવી હતી. વિકલાંગ વિભાગના અધિકારીએ પુણે પોલીસ અને પુણે જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખીને આઇએએસ પૂજા ખેડકરના મેડિકલ સટફિકેટની સત્યતા તપાસવાની અપીલ કરી છે.
પુણે પોલીસ અધિકારીએ કહ્યું કે અમને વિકલાંગ વિભાગના ટોચના અધિકારી તરફથી એક પત્ર મળ્યો છે. આ પત્રમાં તેણે પૂજા ખેડકરના મેડિકલ સટફિકેટની સત્યતા તપાસવાની માંગ કરી છે. અમે પ્રમાણપત્રોની હકીક્તો તપાસીશું અને એ પણ શોધીશું કે કઈ હોસ્પિટલ અને કયા ડૉક્ટરે આ પ્રમાણપત્રોની સત્યતાની પુષ્ટિ કરી છે. ગયા અઠવાડિયે જ કેન્દ્ર સરકારે એક સમિતિની પણ રચના કરી છે, જે આઇએએસ પૂજા ખેડકરની ઉમેદવારી અંગે તપાસ કરશે અને બે અઠવાડિયામાં તેનો રિપોર્ટ આપશે. સરકારે કહ્યું કે આ તપાસ અધિક સચિવ રેન્કના અધિકારી કરશે. નોંધનીય છે કે એક અપરાધિક કેસમાં પુણે પોલીસે આઇએએસ પૂજા ખેડકરના માતા-પિતા વિરુદ્ધ પણ કેસ નોંયો છે. પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.