આઇએએસ ઓફિસર પૂજા ખેડકરની મુશ્કેલીઓ વધી; પરીક્ષામાં છેતરપિંડી કરવાના આરોપમાં એફઆઇઆર દાખલ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ શુક્રવારે પ્રોબેશનર આઇએએસ ઓફિસર પૂજા ખેડકર વિરુદ્ધ ઘણી કાર્યવાહી શરૂ કરી છે. પંચ દ્વારા લેવામાં આવેલા પગલાઓમાં પૂજા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાનો સમાવેશ થાય છે. નકલી ઓળખ કાર્ડનો ઉપયોગ કરીને સિવિલ સર્વિસ પરીક્ષામાં બેસવા બદલ તેની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કમિશને સિવિલ સવસ પરીક્ષા-૨૦૨૨ માટે તેમની ઉમેદવારી રદ કરવા અને ભવિષ્યની પરીક્ષાઓમાં હાજર રહેવા પર પ્રતિબંધ મૂક્તી કારણ બતાવો નોટિસ પણ જારી કરી છે.

ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સવસ ૨૦૨૩ બેચની ઓફિસર પૂજા ખેડકર પર તાજેતરમાં પુણેમાં તેની તાલીમ દરમિયાન સિવિલ સવસમાં પસંદગી માટે વિશેષાધિકારોનો દુરુપયોગ કરવાનો અને બનાવટી પ્રમાણપત્રોનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કમિશને એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે યુપીએસસીએ સિવિલ સર્વિસ પરીક્ષા-૨૦૨૨ માટે પસંદ કરાયેલા ઉમેદવાર પૂજા મનોરમા દિલીપ ખેડકર અંગે વિગતવાર અને સંપૂર્ણ તપાસ હાથ ધરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ખેડકરે તેનું નામ, તેના માતા-પિતાના નામ, તેના ફોટોગ્રાફ, સહી, તેનું ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને સરનામું બદલીને તેની ઓળખ છુપાવી હતી. તેણે પરીક્ષાના નિયમો હેઠળ અનુમતિપાત્ર મર્યાદા કરતાં વધુ પ્રયાસોનો લાભ લીધો. નિવેદન અનુસાર, યુપીએસસીએ પૂજા ખેડકર વિરુદ્ધ પોલીસ એફઆઇઆર દાખલ કરવા અને ફોજદારી કાર્યવાહી સહિત અનેક કાર્યવાહી શરૂ કરી છે.