આઈ કિલ્ડ માય મોમ, સોરી..’ રાજકોટમાં પુત્રે માતાની હત્યા કર્યા બાદ સ્ટેટસ મૂક્તાં ચકચાર મચી

રાજકોટમાં માનસિક રીતે અસ્વસ્થ માતાની ખુદ પુત્રએ જ બ્લેક્ધટથી ગળે ટુંપો દઈ હત્યા નિપજાવ્યા બાદ સોશીયલ મીડિયા પર ‘આઈ કિલ્ડ માય મોમ, મિસ ટુ મોમ’ તેવું સ્ટેટસ મૂક્તાં ચકચાર મચી ગઇ હતી. ગાંધીગ્રામ-૨ પોલીસે આરોપી પુત્રની અટકાયત કરી તપાસ જારી રાખી છે. માતા અવાર-નવાર ધમાલ મચાવી, અપશબ્દો બોલી ઝઘડા કરતાં હોવાથી કંટાળીને તેની હત્યા કર્યાનું આરોપી પુત્રએ પોલીસ સમક્ષ રટણ કર્યું છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, યુનિવસટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે આરએમસી કવાર્ટરમાં રહેતા જયોતિબેન જશવંતગર ગોસાઈ (ઉ.વ.આશરે ૪૮) ની વહેલી સવારે તેમનાં પુત્ર નિલેશે (ઉ.વ.૨૨) બ્લેક્ધેટથી ગળેટુંપો દઈ, હત્યા નિપજાવ્યા બાદ પોતાના એક મિત્રને કોલ કરી આ અંગે જાણ કરી હતી. જેથી નિલેશનાં મિત્રએ ૧૦૮ અને પોલીસને જાણ કરતાં ૧૦૮નાં સ્ટાફે સ્થળ પર જઈ જયોતિબેનને મૃત જાહેર કર્યા હતાં.

પ્રાથમિક પુછપરછમાં નિલેશ પોલીસને જણાવ્યું કે, તે દોઢ વર્ષનો હતો ત્યારે માતા પિતાનાં છૂટાછેડા થઈ ગયા હતાં. છૂટાછેડા બાદ તે માતા સાથે રહેતો હતો. પરંતુ માતાની માનસિક હાલત ઠીક ન હોવાથી તેને વૃધ્ધાશ્રમમાં રખાયા હતાં. આ ઉપરાંત હોસ્પિટલમાં પણ દાખલ કરાયા હતાં. જેને કારણે તેને કચ્છનાં હોમ ફોર બોયઝમાં મોકલી દેવાયાં હતાં.ત્યારપછી તે પુખ્તવયનો થતાં હોમ ફોર બોયઝમાંથી બહાર આવીને માતાની સાથે રહેવા લાગ્યો હતો.

તેની માતાની માનસિક બીમારીની દવા ઘણાં સમયથી ચાલુ હતી. પરંતુ છેલ્લા એકાદ માસથી તેની માતાએ દવા લેવાનું બંધ કરી દીઘું હતું. જેની આડઅસરરૂપે તેની માતા અવારનવાર ધમાલ મચાવતાં હતાં. અપશબ્દો પણ બોલતાં હતાં. ગઈકાલે રાત્રે ફરીથી ધમાલ મચાવી, ઝઘડો કરતાં આવેશમાં આવી વહેલી સવારે તેની બ્લેક્ધેટથી ગળે ટુંપો દઈ હત્યા કરી નાખી હતી.

આ પછી મિત્રને જાણ કરતાં તેનાં મારફત પોલીસને જાણ થઈ હતી. પોલીસ પહોંચી ત્યારે જયોતિબેનની લાશ ફર્શ પરથી મળી આવી હતી. ઠંડે કલેજે માતાની હત્યા કર્યા બાદ આરોપી નિલેશે પોતાનાં ઈન્સ્ટાગ્રામ ઉપર આઈ કિલ્ડ માય મોમ, લોસ માય લાઈફ, સોરી મોમ, ઓમ શાંતિ અને મિસ ટુ મોમ તેવું સેટટસ મૂક્યું હતું. સાથે પોતાનો અને માતાનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો.