મુંબઇ, આઈએન્ડ એફએસ કંપની સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલ આજે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ની ઓફિસમાં હાજર થયા હતા. જ્યાં કલાકો સુધી પાટીલની પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ એનસીપીના નેતા, પદાધિકારી, કાર્યર્ક્તાઓએ ઈડીની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.
મુંબઈમાં ઈડીની ઓફિસની બહાર તેમજ મહારાષ્ટ્રમાં અનેક સ્થળે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દક્ષિણ મુંબઈમાં બેલાર્ડ એસ્ટેટ ખાતે એનસીપીના કાર્યાલયની નજીક જ ઈડીની ઓફિસ છે. આંદોલન કરનારાઓએ ગાંધી ટોપી પહેરીને પ્લેકાર્ડ, બેનરો અને એનસીપી અધ્યક્ષ શરદ પવારના કટઆઉટ દાખવ્યા હતા. તેમણે કેન્દ્ર સરકાર અને ઈડી વિરુધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
રાજકીય વૈમન્સ્યને લીધે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો આરોપ પણ કર્યો હતો. ઈડીના બે વખત સમન્સ મળ્યા બાદ પાટીલ આજે નિવેદન નોંધાવવા તેમની ઓફિસમાં હાજર થયા હતા.
ઈડીની ઓફિસમાં જતા પહેલાં પત્રકારો સાથે વાત કરતા પાટીલે કહ્યું હતું કે, ’હું વિપક્ષનો ભાગ છું. જેના લીધે આ પ્રકારની કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂતકાળમાં મેં ક્યારેય આઈએન્ડ એફએસ નું નામ સાંભળ્યું નથી. પરંતુ ઈડીના અધિકારીઓએ સમન્સ મોકલ્યું હોવાથી હું તેમની સમક્ષ હાજર થયો છું. તેમના પ્રશ્ર્નોના જવાબ આપીને સંપૂર્ણ સહકાર આપીશ. હું પાર્ટીના કાર્યકરોની શાંતિ જાળવવા અને અધિકારીઓને તેમનું કામ કરવા આપવાની અપીલ કરું છું. આ કાર્યવાહીથી ડરશો નહીં એમ કાર્યર્ક્તાઓએ કહ્યું છે.
પાટીલના સમર્થકોની ભીડને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે ઈડીની ઓફિસ પાસે સુરક્ષા વધારી દીધી હતી. ઈડીની ઓફિસ તરફ જતા રસ્તા પર બેરિકેડ લગાવ્યા હતા.ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ઈડીએ ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથીદારો સંબંધિત તપાસ બાદ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના નેતા નવાબ મલિકની ધરપકડ કરી હતી.
નવેમ્બર, ૨૦૨૧માં ઈડીએ રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને એનસીપી નેતા અનિલ દેશમુખની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. દેશમુખ હાલમાં જામીન પર બહાર છે. જ્યારે મલિક જયુડિશિયલ કસ્ટડીમાં છે.