અમદાવાદ, ગુજરાત એટીએસએ આઇએસકેપી આતંકવાદી સંગઠનના દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સુરત બાદ હૈદરાબાદમાંથી વધુ એક શંકાસ્પદ મહિલાની અટકાયત કરવામાં આવી છે. ખાદીજા નામની મહિલા સંપૂર્ણપણે કટ્ટરપંથી છે અને તે ગુજરાતમા આઇએસકેપીના પકડાયેલા આતંકવાદીઓના સંપર્કમાં હતી. ગુજરાત એટીએસએ જ્યારે ખાદીજાના સીડીઆરની તપાસ કરી ત્યારે બીજા ઘણા નામો સામે આવ્યા છે. ખાદીજાની સાથે હૈદરાબાદના ફઝીહુલ્લાહ નામના અન્ય વ્યક્તિની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
ગુજરાત એટીએસએ ગોરખપુરમાંથી તારિક નામના એક વ્યક્તિને પણ ઝડપી લીધો છે, જે આતંકવાદી સુમૈરાના સંપર્કમાં હતો. ગુજરાત એટીએસએ ગુજરાત, જમ્મુ કાશ્મીર, યુપી, તેલંગાણામાં ફેલાયેલા આઇએસકેપીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
મહત્ત્વનું છે કે, સુરતની કોર્ટમાં ફિદાઈન હુમલો કરવાનું પ્લાનિંગ કરનારી આરોપી સુમેરા બાનુને એટીએસએ સુરત લાવી તપાસ કરી હતી. આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સની મોડયૂલની મહિલા સભ્ય સુમેરાબાનુ મલેકને ગુજરાત એટીએસએ લાલગેટ રાણીતળાવમાંથી ઝડપી પાડી હતી. ત્યારે બાદ એટીએસ ફરી સુમેરાબાનુ જે એપાર્ટમેન્ટમાં રહેતી હતી તે બાગે એ ફિઝા એપાર્ટમેન્ટમાં લાવી હતી. જ્યાં કલાકો સુધી સાથે રાખીને એટીએસ દ્વારા જાત તપાસ કરાવવામાં આવી હતી.
સુમેરાબાનુની તપાસમાં જાણવા મળ્યું હતું કે, તે સુરતની કોર્ટમાં ફિદાઈન હુમલાના પ્લાનિંગમાં હતાં. આ માટે તેણે તૈયારીઓ પણ કરી દીધી હતી. સુમેરાને કોર્ટમાં કેસ ચાલતો હોવાથી કોર્ટમાં આવતાં જતાં તેણે ફિદાઈન હુમલાનું પ્લાનિંગ કરી લીધું હતું. આ માટે બસ ઉપરથી આદેશની રાહ તેણી જોતી હોવાનું અગાઉ કબૂલાત કરી હતી.