હુમલો કરશો તો ૧૯૭૧માં ભારતે કર્યા હતા તેવા હાલ કરીશું : તાલિબાન

કાબુલ,

તાલિબાનના વરિષ્ઠ નેતા અને અફઘાનિસ્તાનના નાયબ વડાપ્રધાન અહેમદ યાસિરે ૧૯૭૧માં ભારત સામેના યુદ્ધમાં પાકિસ્તાને કરેલા આત્મસમર્પણની ઐતિહાસિક તસવીર ટ્વિટર પર શૅર કરતા લખ્યું કે, પાકિસ્તાન અફઘાનિસ્તાન પર સૈન્ય હુમલો કરશે તો તેણે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડશે. તેમણે રાણા સનાઉલ્લાહને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ધમકી પણ આપી.

રાણા સનાઉલ્લાહે ગયા ગુરુવારે તાલિબાનને ધમકી આપતા કહ્યું હતું કે પાકિસ્તાનમાં તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના આતંકી હુમલા બંધ નહીં થાય તો પાક. સૈન્ય અફઘાનિસ્તાનમાં ઘૂસીને ટીપીપીના આતંકીઓના ઠેકાણાનો સફાયો કરશે. તેમનું કહેવું હતું કે ટીટીપીના આતંકીઓ પાકિસ્તાનમાં હુમલા કરીને અફઘાનિસ્તાનમાં છુપાઇ જાય છે, જ્યાંની તાલિબાન સરકાર તેમને છાવરે છે.

અહેમદ યાસિરે ટ્વિટમાં જણાવ્યું કે, પાકિસ્તાનના ગૃહ મંત્રી. બહુ જ સરસ. આ અફઘાનિસ્તાન છે એ ભૂલતા નહીં. અહીં મોટા મોટા સામ્રાજ્યોની કબરો છે. અમારા પર સૈન્ય હુમલો કરવાનું વિચારતા પણ નહીં, નહિતર ભારત સાથેના શરમજનક સૈન્ય કરારનું પુનરાવર્તન થશે. સાથે જ તેમણે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતનો ફોટો શૅર કર્યો, જેમાં પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)ના પાક. સૈન્ય કમાન્ડર લેટનન્ટ જનરલ અમીર અબ્દુલ્લા ખાન નિયાઝી હાર સ્વીકારતા શરણાગતિના કરાર પર સહી કરતા દેખાય છે.