
મુંબઇ,
ટીમ ઇન્ડિયાના સ્ફોટક બેટ્સમેન અને ગબ્બર તરીકે જાણીતો શિખર ધવન સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય રહે છે. તે સમયાંતરે ફની વીડિયોઝ શેર કરતો હોય છે. તેના ચાહકોને તેના વીડિયો ખૂબ ગમે છે. જેના કારણે તેના પર લાઈક અને કૉમેન્ટ્સનો વરસાદ થાય છે. ત્યારે તેનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે એક્ટ્રેસ હુમા કુરૈશી સાથે દેખાય છે. શિખર હુમા કુરેશી અને સોનાક્ષી સિંહા સ્ટારર ફિલ્મ ’ડબલ એક્સલ’માં કેમિયો કર્યો હતો. ફિલ્મના સીનમાં શિખર અને હુમા ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
આ વખતે શિખરે હુમા કુરેશી સાથે એક વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં હુમા કુરેશી ક્રિકેટરને કહી રહી છે કે, આપણે લગ્ન નહીં કરી શકીએ. આ બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. શિખર ધવને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર હુમા કુરૈશી સાથે પોતાનો નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હુમા કુરૈશી શિખર ધવનને ફોન પર પંજાબીમાં કહે છે કે, આપણા લગ્ન નહીં થઈ શકે. જેના જવાબમાં શિખર ધવન કહે છે, કેમ?.. આવતીકાલે જ તો આપણા લગ્ન છે. ત્યારે હુમા કુરેશી કહે – ઓહ! ફોન તો તમને લાગી ગયો!
શિખર ધવન હસતા હસતા ફોન કાપી નાખે છે, પરંતુ ફોન કાપ્યા બાદ તેને હુમા કુરૈશીએ શું કહ્યું તે સમજાય છે. ત્યારબાદ શિખર ધવનના એક્સપ્રેશન લાજવાબ છે. હુમા અને શિખરના આ વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. અનેક ચાહકોએ આ વીડિયો પર કોમેન્ટ કરી છે.
ધવન હાલ ટીમની બહાર છે. છેલ્લે ગત વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે રમતો જોવા મળ્યો હતો. તેણે છેલ્લી ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ ૨૦૨૧ના જુલાઇમાં અને છેલ્લી ટેસ્ટ મેચ ૨૦૧૮ના સપ્ટેમ્બરમાં રમી હતી. જોકે, ટીમ ઇન્ડિયાની બહાર હોવા છતાં શિખર ધવન સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે.
શિખર ધવને અત્યાર સુધી ભારત માટે ૩૪ ટેસ્ટ મેચમાં ૪૦.૬૧ની એવરેજથી ૨૩૧૫ રન બનાવ્યા છે. તેણે ૧૬૭ વન ડેમાં ૪૪.૧૧ની એવરેજથી ૬૭૯૩ રન ફટકાર્યા છે. બીજી તરફ ધવને ભારત માટે ૬૮ ટી -૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૨૭.૯૨ ની સરેરાશથી ૧૭૫૯ રન બનાવ્યા છે. અત્યારે શિખર ધવન ભલે ટીમ ઇન્ડિયામાં ન હોય, પરંતુ ટૂંક સમયમાં જ તે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમશે. શિખર ધવનને દિલ્હી કેપિટલ્સે આઈપીએલ ૨૦૨૨માં રિલીઝ કર્યો હતો. આ પછી તે પંજાબ કિંગ્સનો હિસ્સો બની ગયો હતો. શિખર ધવન આઈપીએલ ૨૦૨૩ માં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.