મધ્યપ્રદેશ ના અનુસૂચિત જાતિ કલ્યાણ મંત્રી નાગર સિંહ ચૌહાણે વન અને પર્યાવરણ વિભાગમાંથી હટાવ્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપવાની ધમકી આપી છે. વન અને પર્યાવરણ વિભાગ મંત્રી પરિષદના નવા સભ્ય રામનિવાસ રાવતને સોંપવામાં આવ્યું છે, જેઓ કોંગ્રેસ છોડીને ગયા એપ્રિલ મહિનામાં ભાજપમાં જોડાયા હતા. ચૌહાણે કહ્યું કે જો પાર્ટી સંગઠનના નેતાઓ તેમની ચિંતાઓને ’હકારાત્મક રીતે’ જવાબ આપવામાં નિષ્ફળ જશે તો રતલામના સાંસદ તેમની પત્ની અનિતા સિંહ ચૌહાણ પણ રાજીનામું આપશે. નાગર સિંહ પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણના નજીકના માનવામાં આવે છે.
નગર હસ્તકનું વન અને પર્યાવરણ મંત્રાલય રાવતને ફાળવવામાં આવ્યું હતું. અગ્રણી આદિવાસી નેતા ચૌહાણે કહ્યું, “મારો અવાજ સંભળાયો ન હતો. હું પહેલા સંગઠનના નેતાઓ સાથે વાત કરીશ અને આગળનું પગલું નક્કી કરીશ. પાર્ટી સંગઠન સાથે વાત કરીને એક-બે દિવસમાં નિર્ણય લઈશ. જો મને લાગે છે કે મારે આ પદ ન રાખવું જોઈએ તો હું મારી પત્ની અનિતા સાથે રાજીનામું આપીશ.
તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ માં આદિવાસીઓની વસ્તી ૨૩ ટકા છે. ચૌહાણે કહ્યું, “આ પ્રથમ વખત છે જ્યારે આદિવાસીઓને નેતૃત્વ આપવામાં આવ્યું છે, પરંતુ વન વિભાગ (જે આદિવાસીઓ સાથે ખૂબ જ જોડાયેલું છે) મારી પાસેથી છીનવીને કોંગ્રેસના નેતાને આપવામાં આવ્યું છે. મને નથી લાગતું કે તે મારા માટે કે પાર્ટીના કાર્યકરો માટે ફાયદાકારક છે.’’ મંત્રીએ દાવો કર્યો કે તેમણે રવિવારે રાત્રે પાર્ટીના નેતાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી અને ચર્ચા ચાલુ રાખવાની યોજના બનાવી. ચૌહાણે કહ્યું, જો તેઓ ઈચ્છે તો હું તેમની સાથે વાત કરીશ. જો તેઓ ઇચ્છતા નથી, તો તે સારું છે.
શ્યોપુર જિલ્લાના વિજયપુરથી છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા રામનિવાસ રાવત ૩૦ એપ્રિલે લોક્સભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ૮ જુલાઈના રોજ કેબિનેટ મંત્રી તરીકેના તેમના સમાવેશના દિવસો પછી, રવિવારે એક સૂચના જારી કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે રાવતને વન અને પર્યાવરણ વિભાગ ફાળવવામાં આવ્યો છે.