હું રાજીનામું નથી આપી રહ્યો: એન બિરેન સિંહ,હજારો મહિલા સમર્થકોએ ઘરની બહાર પ્રદર્શન કર્યા બાદ નિર્ણય બદલવામાં આવ્યો હતો.

  • રાહત શિબિરોમાં ખામીઓ છે, સરકારે આ માટે કામ કરવું જોઈએ.: રાહુલ ગાંધી

ઇમ્ફાલ, મણિપુર સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર એન બિરેન સિંહે રાજીનામું આપવાનું મન બનાવી લીધું હતું. તેમણે રાજીનામાનો પત્ર પણ તૈયાર કરાવ્યો હતો. પરંતુ રાજભવન અને તેમના નિવાસસ્થાને સમર્થકોની ભીડ જોઈને તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો. ગુરુવારે સાંજે ઇમ્ફાલમાં બીજેપી કાર્યાલય પાસે ભીડ એકઠી થવા લાગી. પોલીસે તેમને હટાવવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.મણિપુરમાં ગુરુવારે થયેલા ફાયરિંગમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હિંસાની બે ઘટનાઓમાંથી એક કાંગપોકપી જિલ્લામાં ગુરુવારે સવારે ૫:૩૦ વાગ્યે બની હતી. અહીં હથિયારધારીઓએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

લોકોએ મૃતદેહો સાથે સીએમ હાઉસ સુધી સરઘસ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો. આ સિવાય ગુરુવારે સાંજે જ હિંસાની તપાસ કરી રહેલા એક પોલીસકર્મીની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

મણિપુરમાં ૩ મેથી કુકી અને મીતેઈ સમુદાયો વચ્ચે હિંસા ચાલી રહી છે. હિંસામાં અત્યાર સુધીમાં ૧૩૧ લોકોના મોત થયા છે. તે જ સમયે ૪૧૯ લોકો ઘાયલ થયા છે. ૬૫,૦૦૦ થી વધુ લોકોએ તેમના ઘર છોડી દીધા છે. આગજનીના ૫ હજારથી વધુ બનાવો બન્યા છે. છ હજાર કેસ નોંધાયા છે અને ૧૪૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હિંસાને જોતા રાજ્યમાં ઈન્ટરનેટ પ્રતિબંધ ૩૦ જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. રાજ્યમાં ૩૬ હજાર સુરક્ષાકર્મીઓ અને ૪૦ આઈપીએસ તૈનાત કરવામાં આવ્યા છે.

રાહુલ ગાંધી ૨ દિવસના મણિપુર પ્રવાસે છે. શુક્રવારે મોઇરાંગ રાહત શિબિરમાં હિંસાથી પ્રભાવિત લોકોને મળ્યા બાદ તેમણે કહ્યું- મણિપુરને શાંતિની જરૂર છે. હું ઈચ્છું છું કે અહીં શાંતિ પુન:સ્થાપિત થાય. મેં કેટલાક રાહત શિબિરોની મુલાકાત લીધી, આ રાહત શિબિરોમાં ખામીઓ છે, સરકારે આ માટે કામ કરવું જોઈએ. ગુરુવારે રાહુલે ચુરાચંદપુરમાં રાહત શિબિરમાં પીડિતોને મળ્યા હતા. જોકે ચૂરાચંદપુર પહોંચતા પહેલા રાહુલના કાફલાને બિષ્ણુપુરમાં રોકી દેવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે હિંસાની આશંકાને કારણે કાફલાને રોકી દેવામાં આવ્યો હતો. આ પછી રાહુલ હેલિકોપ્ટર દ્વારા ચુરાચંદપુર પહોંચ્યા. અહીં તેમણે કહ્યું- હું મણિપુરના મારા તમામ ભાઈ-બહેનોને સાંભળવા આવ્યો છું. દરેક સમુદાયના લોકો ખૂબ જ આવકારદાયક અને પ્રેમાળ છે. સરકાર મને રોકી રહી છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.