
મુંબઇ, પરિણીતી ચોપડાએ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સપ્ટેમ્બરમાં રાજસ્થાનમાં લગ્ન કર્યાં હતાં. નેતા સાથે લગ્ન કરવાને કારણે તેને પૂછવામાં આવ્યું હતું કે શું ભવિષ્યમાં તું પૉલિટિક્સમાં આવવાની છે? એનો જવાબ આપતાં પરિણીતીએ કહ્યું હતું કે ’હું પૉલિટિક્સ વિશે કાંઈ નથી જાણતી. એથી મને નથી લાગતું કે હું રાજકારણમાં આવીશ. અમે પબ્લિક લાઇફમાં છીએ. અમને જરા પણ અંદાજ નહોતો કે દેશના લોકો તરફથી અમને આટલો બધો પ્રેમ મળશે. મને લાગે છે કે જો તમારો જીવનસાથી યોગ્ય હોય તો તમારું લગ્નજીવન સારું ચાલે છે.’
સાથે જ તેનું એવું પણ કહેવું છે કે ભારતમાં એવા અનેક લોકો છે જેમની પાસે પોતાને માટે સમય નથી હોતો. એ વાતને અયોગ્ય ગણાવતાં પરિણીતીએ કહ્યું કે ‘વર્ક-લાઇફમાં બૅલૅન્સ જાળવી રાખવું ખૂબ અગત્યનું છે. ભારતમાં આપણે જોઈએ છીએ કે કેટલાય લોકો ગર્વથી કહેતા હોય છે કે અમને સમયસર જમવાનું નથી મળતું અને અમારી ઊંઘ પણ પૂરી નથી થતી. એ વાતને તેઓ સન્માનથી જણાવે છે. જોકે પર્સનલી કહું તો આવી રીતે જીવન જીવવું બરાબર ન કહેવાય. સખત મહેનત કરવામાં હું માનું છું, પરંતુ મને પણ મારા ફ્રેન્ડ્સને મળવાનું અને હૉલિડે પર જવાનું ગમે છે. હું જ્યારે ૮૫ કાં તો ૯૦ વર્ષની થઈશ ત્યારે હું મારા ભૂતકાળ પર નજર કરીશ ત્યારે મને એવું લાગવું જોઈએ કે મારું જીવન મેં ખૂબ સારી રીતે પસાર કર્યું છે.’