હું પીડિત મહિલાઓના પરિવારને મળી શક્તી હોઉં તો મુખ્યમંત્રી કેમ નહીં?: માલિવાલ

મણિપુર અત્યારે રાજકીય ચર્ચાના કેન્દ્રમાં છે ત્યારે દિલ્હી કમિશન ફોર વિમેન (DCW)ના ચેરપર્સન સ્વાતી માલિવાલે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંઘનું રાજીનામું માંગ્યું છે. તેમણે મંગળવારે પ્રશ્ન કર્યો હતો કે, “જે મહિલાઓને નિર્વસ્ત્ર કરી ફેરવવામાં આવી હતી તેમને હું મળી શકતી હોય તો મુખ્યમંત્રી કેમ નહીં?”

માલિવાલ રવિવારથી મણિપુરના પ્રવાસે છે. તેમણે દાવો કર્યો હતો કે, “વાઇરલ વીડિયોમાં જે મહિલાઓને નિર્વસ્ત્ર કરી જાહેરમાં ફેરવવામાં આવી હતી તેમના પરિવારોએ મને જણાવ્યું છે કે સરકારમાંથી કોઇ તેમને મળવા આવ્યું નથી.” તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ આરોગ્ય અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીને રાજ્યમાં આવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “મણિપુર સળગી રહ્યું છે. 

અત્યારે સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો તેને બચાવવું મુશ્કેલ બનશે.” માલિવાલે રાજ્યના ગવર્નર અનુસુયા ઉકેયની પણ મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે, “હું કોઈ સુરક્ષા વગર એકલી ચુરાચંદપુર ગઈ હતી. જે બે મહિલાને નિર્વસ્ત કરી જાહેરમાં ફેરવવામાં આવી હતી તેમના પરિવારોને મળી હતી. તો પછી મુખ્યમંત્રી કેમ ન મળી શકે? તે બુલેટ-પ્રૂફ કારમાં ચુરાચંદપુર અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં કેમ ન જઈ શકે?”

ઉલ્લેખનીય છે કે, મણિપુરનો ૪ મેનો એક વીડિયો તાજેતરમાં વાઇરસ થયો હતો. જેમાં મણિપુર ખાતે એક ટોળાએ બે મહિલાને નિર્વસ્ત્ર કરી જાહેરમાં ફેરવી  હતી. મણિપુરમાં લગભગ ત્રણ મહિનાથી તોફાન ચાલી રહ્યું છે. જેમાં ૧૬૦ લોકોએ જીવ ગુમાવ્યો છે.