નીટ પેપર લીક મુદ્દે શુક્રવારે સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. લોક્સભામાં વિપક્ષે આ મુદ્દે એટલો હંગામો કર્યો કે સ્પીકરે કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવી પડી. તે જ સમયે, રાજ્યસભામાં નીટ પેપર લીકને કારણે વિપક્ષી સાંસદો હંગામો મચાવતા અને સરકાર સાથે ચર્ચાની માંગ કરતા જોવા મળ્યા હતા. જોકે, રાજ્યસભામાં વર્તમાન સાંસદ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડે આ મુદ્દે વિપક્ષને જડબાતોડ જવાબ આપ્યો હતો.
ગૃહમાં પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે હું જાણું છું કે ગૃહમાં વિપક્ષના મારા સાથીદારો નીટ પેપર લીક મુદ્દે તપાસ ઈચ્છે છે. કારણ કે આ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે. આવું થવું જોઈએ, પરંતુ હું તમામ વિરોધ પક્ષોના નેતાઓને કહેવા માંગુ છું કે અમારી સરકારે આ મામલાને પહેલાથી જ ગંભીરતાથી લીધો છે અને તપાસના આદેશ આપી દીધા છે. આ સમગ્ર મામલાની તપાસ હવે સીબીઆઇ કરી રહી છે. હજુ તપાસ પૂર્ણ થઈ નથી, આ કૌભાંડ પાછળ જે લોકો હતા તેમની ત્રણ રાજ્યોમાં ધરપકડ પણ કરવામાં આવી છે.
હું આ ગૃહમાં બેઠો છું, હું કોઈનો પક્ષ લેવા માંગતો નથી, પરંતુ જ્યાં સુધી નીટ પરીક્ષાની વાત છે, હું પણ માનું છું કે તેના માટે વ્યક્તિગત રીતે કોઈને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી. આ પરીક્ષામાં કંઈક ખોટું થયું. સરકારે પણ આ અંગે યોગ્ય નિર્ણય લીધો છે. પરંતુ જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તમે સરકારની છબી ખરડવાનું કંઈ કરી શકો નહીં.
તેમણે વધુમાં કહ્યું કે હું સ્પષ્ટપણે માનું છું કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તમે આ માટે કોઈને જવાબદાર ન ઠેરવી શકો. હું તેનો ખુલ્લેઆમ વિરોધ કરું છું. હાલમાં જેઓ આ મુદ્દો ઉઠાવી રહ્યા છે તે તમામ પરિપક્વ નેતાઓ છે. આમ છતાં તેઓ એ સમજવા તૈયાર નથી કે જે બાબતની તપાસ ચાલી રહી છે તેના પર અમે અત્યારે કેવી રીતે નિર્ણય આપી શકીએ. તપાસની વચ્ચે કોઈ સરકાર પર કેવી રીતે હુમલો કરી શકે? તમે બધા આ મુદ્દાથી સારી રીતે વાકેફ છો. તપાસ રિપોર્ટ આવવાની રાહ જુઓ. તપાસ પૂર્ણ થયા વિના એચઆરડી મંત્રી કોઈ નિર્ણય લઈ શક્તા નથી. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે ગૃહને સુચારૂ રીતે ચલાવવામાં સહકાર આપો.