હું પાકિસ્તાન તરફી દેશદ્રોહીઓ પાસેથી વોટ નહીં માંગું, ભાજપના નેતા ગિરિરાજ સિંહ

નવીદિલ્હી, પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેનાર બેગુસરાય સીટના ઉમેદવાર અને બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે જે નવો રાજકીય વિવાદ સર્જી શકે છે. ગિરિરાજ સિંહે કહ્યું છે કે તેઓ પાકિસ્તાન તરફી દેશદ્રોહીઓ પાસેથી વોટ માંગવા બેગુસરાય લોક્સભા ક્ષેત્રમાં નહીં જાય. તમને જણાવી દઈએ કે બિહારની બેગુસરાય સીટ પર ચોથા તબક્કાનું મતદાન ૧૩ મેના રોજ થશે. બીજેપીના ફાયર બ્રાન્ડ લીડર ગિરિરાજ સિંહનો અહીં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના ઉમેદવાર અવધેશ રાયનો મુકાબલો થશે. બેગુસરાઈ બેઠકનું પ્રતિનિધિત્વ હાલમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગિરિરાજ સિંહ કરી રહ્યા છે.

હકીક્તમાં, બીજેપી નેતા ગિરિરાજ સિંહે ૧૯ એપ્રિલના રોજ બેગુસરાયમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કથિત રીતે કહ્યું હતું કે તેઓ પાકિસ્તાન સમર્થક રાષ્ટ્ર વિરોધીઓ અને રાષ્ટ્રવાદ સાથે સમસ્યા ધરાવતા લોકો પાસેથી વોટ માંગશે નહીં. સીપીઆઇએ ગિરિરાજના આ નિવેદન સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. જો કે, જ્યારે ગિરિરાજ સિંહને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું – હું ફરી એકવાર એ વાતનું પુનરાવર્તન કરી રહ્યો છું કે મારા ચૂંટણી પ્રચાર દરમિયાન, હું પાકિસ્તાન તરફી રાષ્ટ્ર વિરોધીઓ અને રાષ્ટ્રવાદ સાથે સમસ્યા ધરાવતા લોકો પાસેથી મારા માટે વોટ માંગશે નહીં.

કેન્દ્રીય મંત્રી અને બેગુસરાયથી બીજેપી ઉમેદવાર ગિરિરાજ સિંહે આ સમગ્ર મામલે કહ્યું કે તેમણે કંઈ ખોટું નથી કહ્યું. વિપક્ષી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા પર નિશાન સાધતા તેમણે કહ્યું કે જો સીપીઆઈને આવા લોકો (પાકિસ્તાન તરફી દેશદ્રોહી)ના મતની જરૂર હોય તો પાર્ટીએ ખુલ્લેઆમ તેની જાહેરાત કરવી જોઈએ. ગિરિરાજ સિંહ પોતાને ભાજપમાં પીએમ મોદી અને અમિત શાહના હનુમાન કહે છે. ગિરિરાજનું કહેવું છે કે પીએમ મોદી જે આદેશ કરશે તે તેઓ કરશે. ગિરિરાજ સિંહનો જન્મ ૮ સપ્ટેમ્બર, ૧૯૫૨ના રોજ બિહારના લખીસરાય જિલ્લાના બરહિયામાં થયો હતો. તેઓ ૨૦૦૨ થી ૨૦૧૪ સુધી બિહાર વિધાન પરિષદના સભ્ય, ૨૦૦૮ થી ૨૦૧૦ સુધી બિહાર સરકારમાં સહકાર મંત્રી, ૨૦૧૦ થી ૨૦૧૩ સુધી બિહાર સરકારમાં પશુ અને મત્સ્ય સંસાધન વિકાસ મંત્રી હતા. ત્યારબાદ ૨૦૧૪માં નવાદાથી લોક્સભાની ચૂંટણી જીત્યા બાદ, તેમને ૦૯ નવેમ્બર, ૨૦૧૪ના રોજ ભારત સરકારમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા. ૨૦૧૯ની ચૂંટણીમાં જીત બાદ તેમને ફરી એકવાર કેબિનેટમાં સ્થાન મળ્યું છે.