હું નિલેશ કુંભાણીને છેલ્લાં શ્વાસ સુધી છોડવાનો નથી, પ્રતાપ દૂધાત

અમદાવાદ, લોક્સભાની ૨૦૨૪ના ત્રીજા તબક્કામાં સાતમી મેએ ગુજરાતમાં મતદાન થવાનું છે જો કે તે પહેલા જ સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવારનો બિનહરીફ રીતે વિજેતા જાહેર થયા હતા. ત્યારબાદથી નિલેશ કુંભાણી ભુર્ગમાં ઉતરી ગયા છે અને હવે તેની ભાજપમાં જોડાવાની પણ ચર્ચા થઈ રહી છે ત્યારે અમરેલી કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે કુંભાણી પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ’હું નિલેશ કુંભાણીને છેલ્લાં શ્ર્વાસ સુધી છોડવાનો નથી.’

સુરતમાં નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદથી ગાયબ છે અને તેનો હજુ સુધી કોઈ સંપર્ક થયો નથી. ત્યારે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવીને કહ્યું હતું કે ’હું છેલ્લાં શ્ર્વાસ સુધી નિલેશ કુંભાણીને છોડવાનો નથી. હવે સુરતમાં કાં તો એ રહેશે કાં તો હું રહીશ. તેણે જ્યાં છુપાવું હોય છુપાઈ જાય. સી.આર.પાટીલના ઘરે જતા રહેવું હોય તો જતા રહે. હું તેનો સ્મશાન સુધી પીછો કરીશ.’

આ સિવાય પ્રતાપ દુધાતે વધુમાં કહ્યું હતું કે ’નિલેશ કુંભાણીએ પીઠમાં ખંજર માર્યું છે અને કુંભાણીના કારણે જ કોંગ્રેસે સુરતની બેઠક ગુમાવી છે.’ આ ઉપરાંત અમરેલી કોંગ્રેસ પ્રમુખે નિલેશ કુંભાણીની ભાજપમાં જોડાવાની વાત પર જણાવ્યું હતું કે ’જો નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તો તેનો (કુંભાણી)નો વિરોધ થશે.’ આ મામલે પ્રતાપ દુધાતે હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

અગાઉ કોંગ્રેસના કેટલાક કાર્યકરો નિલેશ કુંભાણીના સુરત ખાતેના ઘરે પહોંચીને ’જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’ તેવા બેનર લઈને દેખાવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરત લોક્સભામાં કોંગ્રેસે નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ત્યારબાદ નાટકીય રીતે નિલેશ કુંભાનીના ટેકેદાર ગાયબ થઈ ગયા હતા. જેને કારણે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. ત્યારબાદ ગણતરીના કલાકોમાં અન્ય આઠ ઉમેદવારોએ પણ પોતાનો ફોર્મ પર ખેંચી લેતા અને ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.