- અજિત પવારે એનસીપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પર સવાલો ઉઠાવ્યા.
મુંબઇ, મહારાષ્ટ્રમાં એનસીપીમાં ભાગલા પડ્યા બાદ હવે પાર્ટી પર કબજો મેળવવાની લડાઈ ચાલી રહી છે. શરદ પવાર અને અજિત પવારે એનસીપી પર પોતાનો દાવો કર્યો છે અને ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. દરમિયાન અજિત પવારે દિલ્હીમાં શરદ પવારના નેતૃત્વમાં યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પર સવાલો ઉઠાવ્યા છે. અજિત પવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે પાર્ટીના ધારાસભ્યો અને પદાધિકારીઓએ તેમને અધ્યક્ષ તરીકે ચૂંટ્યા છે. આવી સ્થિતિમાં શરદ પવારને કાર્યકારિણીની બેઠક યોજવાનો કોઈ અધિકાર નથી, મામલો ચૂંટણી પંચમાં પેન્ડિંગ છે. એટલા માટે દિલ્હીમાં યોજાયેલી બેઠકનો કોઈ આધાર નથી.
શરદ પવારે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણી, રાષ્ટ્રીય કાર્ય સમિતિ, રાષ્ટ્રીય પદાધિકારીઓ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રદેશ પક્ષ પ્રમુખોની બેઠક બોલાવી હતી. જેમાં પીસી ચાકો, જિતેન્દ્ર આહવાન, ફૌઝિયા ખાન અને વંદના ચવ્હાણ સહિત એનસીપીના ૧૩ નેતાઓ હાજર છે. આ દરમિયાન નેતાઓએ શરદ પવારમાં વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. બેઠકની માહિતી આપતા પીસી ચાકોએ જણાવ્યું હતું કે એનસીપીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં એનસીપીએે ૮ ઠરાવો પસાર કર્યા છે. ૨૭ રાજ્ય એકમો શરદ પવાર જૂથ સાથે છે. સમિતિએ શરદ પવાર પર પૂર્ણ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે. પીસી ચાકોએ કહ્યું કે એનસીપીની કાર્યકારી સમિતિએ પ્રફુલ પટેલ, સુનીલ તટકરે અને એનડીએ સાથે હાથ મિલાવનારા ૯ ધારાસભ્યોને હાંકી કાઢવાના શરદ પવારના નિર્ણયને મંજૂરી આપી દીધી છે.
એનસીપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પર શરદ પવારે કહ્યું, આજની બેઠક પ્રોત્સાહિત કરવા માટે છે. હું એનસીપીનો અધ્યક્ષ છું. બીજું જે કંઈ પણ કહે, તેમાં કોઈ સત્ય નથી.શરદ પવારે કહ્યું, હું હજુ પણ અસરકારક છું. તે ૮૨ હોય કે ૯૨. આ મામલાને ઉકેલવા માટે ચૂંટણી પંચ પાસે જઈશ. શરદ પવારે કહ્યું કે મને ખુશી છે કે જેમને હાંકી કાઢવામાં આવ્યા હતા તેઓ સિવાય અન્ય લોકો આટલા ઓછા સમયમાં મીટિંગ માટે આવ્યા હતા. અમારા તમામ સાથીઓની માનસિક્તા પાર્ટીને મજબૂતીથી આગળ લઈ જવાની હતી. મને આનંદ છે કે આજની મીટીંગ આપણા ઉત્સાહને વધારવામાં મદદરૂપ થશે. હું એનસીપીનો અધ્યક્ષ છું, જો કોઈ આવો દાવો કરી રહ્યું છે તો તેમાં કોઈ સત્ય નથી.