
મુંબઇ,મહારાષ્ટ્રના થાણે શહેરમાં કથિત રીતે શાળાની ફી ન ચૂકવવા બદલ કેટલાક વિદ્યાર્થીઓને સજા કરવામાં આવ્યા બાદ એક ટીચરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અહીંની એક ખાનગી શાળાના ધોરણ ૬ ના ટીચરે વિદ્યાર્થીઓને તેમની નોટબુકમાં ૩૦ વખત લખવાનું કહ્યું કે ‘આવતીકાલે હું મારી શાળાની ફી લાવવાનું ભૂલીશ નહીં’.
ટીચરે વિદ્યાર્થીઓને શું લખવાનું કહ્યું તેની એક વીડિયો ક્લિપ સોશિયલ પર વાયરલ થઈ છે. મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા પછી કેટલાક વાલીઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને આની ગંભીર નોંધ લીધી અને મ્યુનિસિપલ કમિશનર અભિજિત ભાંગરે શિક્ષણ અધિકારીને શાળાની મુલાકાત લેવા અને મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો.
ટીએમસીએ જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે શિક્ષણ અધિકારીએ તપાસ શરૂ કરી હતી, જેના પગલે સ્કૂલ મેનેજમેન્ટે શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા હતા. રીલીઝમાં જણાવાયું છે કે શિક્ષણ વિભાગે શાળાને શિક્ષક સામે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. રીલીઝ મુજબ, શાળાને ચેતવણી પણ આપવામાં આવી હતી કે આવી વસ્તુઓ ફરીથી ન થાય. શાળા આ મામલાની તપાસ કરી રહી છે અને શિક્ષણ વિભાગ તેના પર નજર રાખી રહ્યું છે. ભાંગરે કહ્યું કે આ રીતે વિદ્યાર્થીઓ પર દબાણ કરવું ખોટું છે.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને માનસિક કે શારીરિક સતામણીનો સામનો કરવો પડે તેવું વાતાવરણ ઊભું કરવા પર પ્રતિબંધ છે. રીલીઝ મુજબ, આ પ્રકારની પરિસ્થિતિ બાળકોની માનસિક્તા પર ખરાબ અસર કરે છે અને શાળાએ તેના વિશે જાગૃત રહેવાની જરૂર છે.