હું મારી મરજીથી મરું છું, મમ્મી-પપ્પાને હેરાન ન કરતા,’ બેવાર પોલીસમાં સિલેક્ટ ન થતાં ભાવનગરનો યુવક પંખે લટકી ગયો

ભાવનગર,

ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારના શિક્ષિત બેરોજગાર યુવાને અનેક પ્રયત્નો કરવા છતાં સરકારી નોકરી ન મળતાં હતાશામાં આવી રવિવારે આપઘાત કર્યો હતો. મૃતક યુવાને લખેલી સુસાઇડ નોટ સામે આવી છે, જેમાં તેણે લખ્યું છે કે ’હું મારી મરજીથી મરું છું, તો મારાં મમ્મી-પપ્પા અને ભાઈને હેરાન ન કરતા. મને માફ કરી દેજો હું આ પગલું ભરુ છું તો… મારું સપનું હતું પોલીસ જવાન બનવાનું…’ આમ અંતિમ શબ્દો લખી યુવક ઘરમાં જ પંખે લટકી ગયો હતો. ત્યારે ગઇકાલે સાંજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી.

શહેરના વડવાચોરા વિસ્તારમાં શ્રીજી અગરબત્તીવાળા ખાંચામાં રહેતા સોરઠિયા પરિવારનો ૩૦ વર્ષીય હિતેશ ભરતભાઈ સોરઠિયા કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરી મેળવવા પ્રયત્નશીલ હતો અને પોલીસની ભરતીમાં બેથી વધુ વખત જોડાયો હતો, પરંતુ પાસ ન થતાં હિંમત હારી ગયો હતો. પોતાનું સ્વપ્ન પૂરું નહીં થાય એવા માનસિક ડર સાથે ડિપ્રેશનમા સરી પડ્યો હતો. આ હતાશામાં સુસાઈડ નોટ લખી તેના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવને પગલે પરિવારમા શોકનું મોજું ફરી વળ્યું છે.આશાસ્પદ યુવાન હિતેશના સુસાઇડ નોટના છેલ્લા શબ્દો હતા કે ’હું મારી મરજીથી મરું છું તો મારાં મમ્મી-પપ્પા અને ભાઈને હેરાન ના કરતા, મને માફ કરી દેજો, હું આ પગલું ભરુ છું તો.. મારું સપનું હતું પોલીસ જવાન બનવાનું…’ આમ અંતિમ શબ્દો સાથે યુવાને આપઘાત કરી લીધો હતો.

આ બનાવને લઈને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા ગઈકાલે ઢળતી સાંજે મૃતક યુવાનને શ્રદ્ધાંજલિ પાઠવવા તથા તેના પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા અને તેના પરિવારનોને મળી દિલાસો આપ્યો હતો અને શિક્ષિત યુવાનો આવેશમાં આવી આવા અઘટિત પગલાં ન ભરે, તેઓ મિત્રો-પરિવારના સંપર્કમા રહે તથા માનસિક રીતે હતાશ કોઈ વ્યક્તિ જણાય તો મિત્રો તથા સ્નેહીઓએ આવી વ્યક્તિને મદદ કરવા અપીલ કરી હતી. મૃતક યુવાનના કાકા મનીષભાઈ સોરઠિયાએ જણાવ્યું હતું કે મારો ભત્રીજો પોલીસની તૈયારી કરતો હતો. તેને પગમાં ફેક્ચર થયું છતાં તેણે પોલીસમાં જવાની હાર ન માની તૈયારી કરી હતી.