લખનૌ,
ઉત્તરપ્રદેશનાં પીલભીતના ભાજપના સાંસદ વરૂણ ગાંધી કેટલાએ મહિનાઓથી સમાચારોમાં ચમકે છે. તેઓ માટે કહેવાય છે કે, તેઓ પોતાની પાર્ટીથી જ નારાજ છે. તેથી તો રાજ્ય સરકારથી શરૂ કરી કેન્દ્ર સરકારનાં કામકાજ વિરૂદ્ધ બયાનબાજી કરી રહ્યા છે. મોદી સરકારના બંને કાર્યકાળ દરમિયાન તેઓને કોઈ મંત્રીપદ અપાયું નથી. પરંતુ હવે તેઓએ મંત્રીપદ માટે દાવો કર્યો હોવાનું જાણવા મળે છે.
વરૂણ ગાંધીએ એક સમારંભમાં કહ્યું હતું કે, મને મંત્રીપદ માટે બે વખત ઓફર કરવામાં આવી હતી. તે ઘણા લોકો જાણતા નથી. ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેથી કોઇને ખોટું લાગ્યું છે ? તો તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, જો તમે કોઈને સન્માનપૂર્વક કશું કહો અને તમે તેમનું સન્માન જાળવો તો, કોઇને માઠું લાગવાનું કોઈ કારણ જ નથી.
જો તમોને શિક્ષણ મંત્રી બનાવવામાં આવે તો, તમો ચાર મહત્વનાં કામ કરશો તેમ તમોએ જ કહ્યું હતું. તો તે ચાર કામ કયા છે ? તો તેના ઉત્તરમાં તેમણે કહ્યું કે, સૌથી પહેલાં તો હું પાઠયક્રમમાં ફેરફાર કરીશ, શિક્ષકોની સંખ્યા વધારીશ પછી તે લોકોને કુશળ બનાવવા ઉપર ખર્ચ કરાવીશ. દ. કોરિયામાં ૯૪% લોકો કાર્યકુશળ છે. ભારતમાં માત્ર ૪% લોકો જ કાર્યકુશળ છે. તેઓ શિક્ષણ મંત્રી થાય તો દ. કોરિયા અને જર્મનીની જેમ વોકેશનલ (ધંધાદારી) શિક્ષણ ઉપર વધુ ભાર મુકશે. હજી સુધીમાં સરકારે જે નોકરીઓ ઉભી કરી છે તે પૈકી ૭૯% તો કોન્ટ્રેકટ સર્વિસ જેવી છે. તે વાસ્તવિક નોકરીઓ નથી. આપણે એક ટાઇમ-ફ્રેમમાં નોકરીઓ ઓળખી લેવી પડે પહેલાં જગા છે કે નહીં તે જોવું પડે. પછી ૪૫-૬૦ દિવસમાં પરીક્ષાઓ લેવી પડે તે પછી લોકોને નોકરી આપવી જોઈએ. તે માટેનું એક વિધેયક પણ રજૂ કર્યું છે અને મંત્રીઓ સાથે વાતચીત પણ કરી છે, તેઓએ નવી નોકરીઓ માટે વચન પણ આપ્યું છે.