માલાબાર,
કોંગ્રેસના સાંસદ શશી થરુર હાલ કેરળના માલાબારના પ્રવાસે છે. ત્યારે તેમણે કોંગ્રેસ પાર્ટીની અંદરના હોબાળા અંગે એક મોટું નિવેદન આપ્યું છે. થરૂર માલાબારમાં યુડીએફના સાથી અને આઇયુએમએલના વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, ’હું કોઈથી ડરતો નથી અને મારાથી ડરવાની કોઈ જરૂર નથી.’ તેમણે એમ પણ કહ્યું કે તેમને કેરળ કોંગ્રેસમાં કોઈ જૂથ બનાવવામાં રસ નથી.
ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના અન્ય વરિષ્ઠ નેતાઓએ કહ્યું હતું કે શશિ થરૂરની મુલાકાતમાં કંઈ અસામાન્ય નથી. આ સાથે જ શશિ થરૂરે પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસની અંદર બીજું જૂથ બનાવવાનો તેમનો કોઈ ઈરાદો નથી.
થરૂરે વધુમાં કહ્યું હતું કે દેશમાં જ્યારે વિભાજનકારી રાજનીતિ સક્રિય છે ત્યારે એવી રાજનીતિની જરૂર છે કે જે દરેકને સાથે લાવે. તેમણે કહ્યું હતું કે આઇયુએમએલએ તાજેતરમાં ચેન્નાઈ, બેંગલુરુ અને મુંબઈમાં ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમોનું આયોજન કર્યું તે પ્રશંસનીય છે.