હું ખુશ છું કે હું દરેક પડકારો, અપ-ડાઉનમાંથી બહાર આવી ગયો છું : વિવેક ઓબેરોય

મુંબઇ,વિવેક ઓબેરોયે પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાન સહિત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ હાહાકાર મચી ગયો હતો. આ વાતને ૨૦ વર્ષ વિતી ગયા પછી વિવેકે બોલિવૂડની આંતરિક રાજનીતિ-પક્ષાપક્ષી પરથી ફરી પડદો ઉઠાવ્યો છે. પોતાની પ્રેસ કોન્ફરન્સને યાદ કરતાં તેણે કહ્યું કે હું ખુશ છું કે હું દરેક પડકારો, અપ-ડાઉનમાંથી બહાર આવી ગયો છું પરંતુ દરેક લોકો એટલા નસીબદાર નથી હોતા.

અત્રે નોંધનીય છે કે પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તેને બોલિવૂડમાં સાઇડલાઇન કરવામાં આવી રહી છે અને તેને ફિલ્મોમાં કાસ્ટ કરવામાં આવતી નહોતી. તેથી જ તે બોલિવૂડ છોડીને હોલીવૂડ તરફ ગઈ છે. પ્રિયંકાના નિવેદનના સમર્થનમાં વિવેક પણ આગળ આવ્યો છે. સલમાન ખાન સામેની પ્રેસ કોન્ફરન્સ બાદ વિવેકને કેવા પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો તેનો ખુલાસો કર્યો છે.

રિપોર્ટ્સ અનુસાર ઐશ્ર્વર્યા રાયનો સલમાન ખાન સાથે સંબંધ તૂટી ગયો ત્યારે તેના જીવનમાં વિવેક ઓબેરોય આવ્યો હતો. સલમાન ખાન આ સહન ન કરી શક્યો અને તેને ધમકી આપી. આ મામલે વિવેકે વર્ષ ૨૦૦૩માં પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.

વિવેકે તે દિવસોને યાદ કર્યા અને કહ્યું કે હું એવી વસ્તુઓમાંથી પસાર થયો હતો જે બિનજરૂરી હતી. દુર્ભાગ્યપૂર્ણ છે કે આ આપણા ઈન્ડસ્ટ્રીની ઓળખ બની ગઈ છે. આ બોલિવૂડની ડાર્કસાઇડ છે અને મેં તેને નજીકથી જોઈ છે.

વિવેકે આગળ કહ્યું કે ’હું જાણું છું કે આવું ખૂબ જ નિરાશાજનક છે. તે ઘણી નિરાશા અને મુશ્કેલીનું કારણ બને છે. આ બધાને કારણે તમે ખૂબ થાકી જાઓ છો. એક તરફ મેં શૂટઆઉટ લોખંડવાલાની સફળતા માટે એવોર્ડ લીધો છે અને ત્યારબાદના ૧૪ મહિના સુધી હું ઘરે બેઠો હતો. કોઈ કામ નહોતું મળતું. જ્યારે હું આ તબક્કામાંથી પસાર થયો ત્યારે હું વિચારતો રહ્યો કે મને આગળ લઈ જાય તેવું મારે કંઈક અલગ કરવું છે, શક્તિશાળી બનવું છે. વિવેક ઓબેરોયે પોતાનું યાન સમાજ સેવા અને બિઝનેસ પર કેન્દ્રિત કર્યું હતું.

પ્રિયંકા ચોપરાના વખાણ કરતાં અભિનેતાએ કહ્યું હતું કે પ્રિયંકાનું તાજેતરનું નિવેદન ખૂબ જ પ્રેરણાદાયક છે. તેણી બહાર ગઈ, સંઘર્ષ કર્યો અને કંઈક અલગ શોયું અને તે જ તેની કારકિર્દીમાં ટનગ પોઈન્ટ બની ગયો. તેની સાથે પ્રોફેશનલી અને પર્સનલી જાદુ થઈ ગયો.

જુના વિવાદોને વાગોળતા વિવેકે કહ્યું કે મેં સુપરસ્ટાર વિશે જે દિવસે અવાજ ઉઠાવ્યો ત્યારે દરેક ‘શુભચિંતક’ મને ફોન કરીને કહેતા, ‘આના વિશે વાત ન કરો. તે ફેમિલી સિક્રેટ જેવું છે. પરંતુ શું ફેમિલી સિક્રેટ હોવાથી તમારા પરિવારમાં દુર્વ્યવહાર ચાલી રહ્યો હોય તો તમે તેના વિશે વાત ન કરો? એ તો મૂર્ખામી ગણાશે ને ? ઈન્ડસ્ટ્રીમાં આ એક પ્રણાલીગત સમસ્યા છે. લોકો વધુ અવાજ ઉઠાવી રહ્યા છે. સત્તાનું વધુ વિકેન્દ્રીકરણ થઈ રહ્યું છે. ઓછા લોકો ભગવાન બની શકે છે અને ફેન્સ હવે જાગૃત છે.