હું જ્યાં સુધી શારીરિક રીતે સક્ષમ હોઈશ ત્યાં સુધી કામ કરવા માગું છું : ક્રિતી

મુંબઇ, ક્રિતી સૅનને બૉલીવુડમાં દસ વર્ષ પૂરાં કર્યાં છે અને તેની ઇચ્છા છે કે જ્યાં સુધી તેની શારીરિક ક્ષમતા સારી હશે ત્યાં સુધી તેને કામ કરવું છે. તેણે ’હીરોપંતી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ક્રિતીને ’મીમી’ માટે નૅશનલ અવૉર્ડ મળ્યો છે. ’બરેલી કી બર્ફી’, ’લુકા છુપી’, ’ભેડિયા’ અને ’તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’માં કામ કર્યું છે.

તેણે એન્જિનિયરિંગનો સ્ટડી નોએડાથી કર્યો છે. જોકે તેણે ઍક્ટિંગમાં કરીઅર બનાવવાનું નક્કી કર્યું. ક્રિતીએ કહ્યું કે ‘મારું એન્જિનિયરિંગ દિમાગ છે જે હંમેશાં નવું જાણવા માટે ઉત્સુક હોય છે અને દરેક વસ્તુને તે સ્પન્જની જેમ શોષી લે છે અને આગળ વધે છે. હું સમયની સાથે વિકસિત થઈ છું. એ જ મારો ઉદ્દેશ છે. એક ઍક્ટર તરીકે કઈ વસ્તુ મારા માટે સફળ થશે કે નહીં એના વિશે હું વિચાર્યા કરું છું. મને ક્યારેક એમ પણ લાગે છે કે મારી પ્રોસેસ શું છે એની જાણ નથી હોતી, કારણ કે હું મારી જાતને કોઈ એકાદ વસ્તુમાં બાંધવા નથી માગતી. ક્યારેક તો હિટ ઍન્ડ ટ્રાયલને પણ અજમાવી જોઉં છું. ક્યારેક એ કામ કરી જાય તો ક્યારેક ન પણ કરે. મને જ્યારે કોઈ કૅરૅક્ટર આપવામાં આવે કે જેનાથી મને ડર લાગે કે એને કેવી રીતે કરવું તો એ મને ખરેખર એક્સાઇટ કરે છે. હું પોતાને નસીબદાર માનું છું કે દરરોજ સવારે હું જાગું છું ત્યારે મારી પાસે કામ હોય છે. હું કાંઈક અલગ કરુ છું અને એ કંટાળાજનક નથી.’

લાઇફમાં ક્યાં સુધી કામ કરવું છે એ વિશે ક્રિતીએ કહ્યું કે ‘હું લોકો પર અસર છોડવા માગું છું અને જે લોકો ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું સપનું જુએ છે તેમના માટે પ્રેરણા બનવા માગું છું. મને ખરેખર ખૂબ ખુશી મળે છે. મારી અંદરના વિવિધ લેયર્સને અને એક ઍક્ટર તરીકેની મારી ક્ષમતાને શોધવા માગું છું. એવું હટકે કામ કરવા માગું છું જે મને એક્સાઇટ કરે. જ્યાં સુધી શારીરિક રીતે કામ કરવાને સક્ષમ હોઉં ત્યાં સુધી કામ કરવા માગું છું.’

ક્રિતી સૅનન તેની ફિલ્મોની પસંદગી સ્વાભાવિક બુદ્ધિથી કરતી હોવાનું જણાવ્યું છે. તે આજે એક સફળ ઍક્ટ્રેસની સાથે બ્લુ બટરલાય ફિલ્મ્સ નામનું પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. એ બૅનર હેઠળ તેણે ‘દો પત્તી’ નામની ફિલ્મને કો-પ્રોડ્યુસ પણ કરી છે. આ સિવાય કરીના કપૂર ખાન અને તબુ સાથેની તેની ફિલ્મ ‘ધ ક્રૂ’ ૨૯ માર્ચે રિલીઝ થવાની છે. ફિલ્મોની પસંદગી વિશે પૂછવામાં આવતાં ક્રિતીએ કહ્યું કે ‘કઈ ફિલ્મ સફળ થશે અને કઈ નહીં એના વિશે હું નથી વિચારતી. હું જે સ્ટોરી સાંભળું છું એની પસંદગી મારી સહજ બુદ્ધિથી કરું છું. મને એમ લાગે કે આ ફિલ્મ સફળ થશે અને જ્યારે એ રિલીઝ થાય ત્યારે લૉપ થઈ જાય તો એમાં લૉજિક ન લગાવી શકાય. હું બધું સેટ પર જ શીખી છું. મને ખબર નહોતી કે માર્ક શું છે, કૅમેરા ક્યાં રાખેલા છે. હું ઊભી રહેતી અને મને એમ કહેવામાં આવતું કે આ તરફ જો કેમ કે તારો ચહેરો દેખાતો નથી. એથી એમ કહી શકાય કે બેબી સ્ટેપ્સ ભરીને હું બધું શીખી છું.’