હું ફૂંક મારીને કે હનુમાનજી બનીને તરત જ પાણી લાવું એ શક્ય નથી,રાજસ્થાનના મંત્રી

જયપુર, રાજસ્થાનમાં ભીષણ ગરમી પડી રહી છે. અને રાજ્યમાં પાણીની ગંભીર કટોકટી પણ છે. શહેરોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે રાજસ્થાનના પીએચડઇડી મંત્રી કનૈયા લાલ ચૌધરીએ એક વિચિત્ર નિવેદન આપ્યું છે.

રાજસ્થાનમાં આકરી ગરમીની સાથે લોકો પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન મંત્રી કન્હૈયા લાલ ચૌધરીએ કહ્યું હતું કે ’અમે એટલું જ પાણી આપી શકીએ છીએ જેટલું અમારી પાસે છે. હું ફૂંક મારીને કે હનુમાનજી બનીને તરત જ પાણી લાવું એ શક્ય નથી.’ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે ’આ વર્ષે બિસલપુરમાંથી વધારાનું પાણી લેવામાં આવ્યું છે. જ્યાં પણ પાણીની માંગ હશે ત્યાં જરૂરિયાત મુજબ પુરું પાડવામાં આવશે.’ આ ઉપરાંત કનૈયા લાલ ચૌધરીએ લોકોને પાણીનો યોગ્ય ઉપયોગ કરવા અપીલ કરી હતી.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ’રાજ્યમાં આકરી ગરમી દરમિયાન પીવાના પાણીનો પુરવઠો સારો મળી રહે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. આ માટે વધુ સારું મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે. વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલ કામમાં બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં પીવાના પાણીની સમસ્યા વિકટ છે ત્યાં ટેક્ધર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.