ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ પોતાના ડાયરામાં બેબાક નિવેદનોને લઈને ચર્ચમાં રહે છે. હવે તેમણે રાજકારણમાં ઝંપલાવવાની ઈચ્છા દર્શાવી છે. એક મીડિયા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, ’હું એક હજાર ટકા રાજકારણમાં આવીશ. પરંતુ હું ક્યાં પક્ષમાં જોડાઈશ તે કહેવા નથી માંગતો.’
લોક સાહિત્યકાર દેવાયત ખવડે જણાવ્યું હતું કે, ’જીવનમાં મને કેટલાક કડવા અનુભવો થયા છે. એટલે મને લાગ્યું કે સત્તા પર આવવું જ પડશે. દુનિયા સત્તાને જ ચાહે છે. માણસમાં માણસાઈ મરી જાય તેનું દુ:ખ ખુબ લાગે છે. હૃદયના સંબંધો રાખ્યા હોય તેમ છતા મને જશ નથી મળ્યો.’
વધુમાં દેવાયત ખવડે જણાવ્યું હતું કે, ’હું રાજનીતિમાં નિષ્ઠાથી આવીશ. સત્તા અને પૈસાની લાલચે નહીં. ગરીબ, ખેડૂતોને કોઈપણ ક્ષેત્રમાં મદદ થઈ શકે તે મારો હેતુ છે. રાજકારણમાં જઈને પૈસો બનાવવાની મારો ઈરાદો નથી.’
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં યોજાયેલા એક ડાયરામાં દેવાયત ખવડે ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી. તેમણે કહ્યું કે, ’ન કરે નારાયણને મને ટિકિટ મળી જાય તો બનાસકાંઠાની પ્રજા મને જીતાડી દે એમ છે, મને આ બનાસે એટલો બધો પ્રેમ આપ્યો છે. અહીંના એક-એક સમાજે મને પ્રેમ કર્યો છે.’