હું ચીની લશ્કરને ’ગ્રેટ વૉલ ઓફ સ્ટીલ’ બનાવીશ: જિનપિંગ

બીજીંગ,

ચીનના પ્રમુખ જિનપિંગે ત્રીજી વખત પ્રમુખ બન્યા બાદ ભાષણ આપતા કહ્યું હતું: હું ચીનના લશ્કરને સૌથી મજબૂત બનાવીશ. ચીનનું સૈન્ય ચીનની મહાન દિવાલની જેમ ગ્રેટ વૉલ ઓફ સ્ટીલ બની જશે અને આ સૈન્ય દેશના સાર્વભૌમત્વનું રક્ષણ કરવા કટિબદ્ધ હશે. જિનપિંગે ઉમેર્યું હતું કે દેશ વૈશ્ર્વિક સ્તરે બહુ જ મોટી ભૂમિકા ભજવશે.

ચીનના પ્રમુખ જિનપિંગને ત્રીજી વખત પ્રમુખ બનાવવાનો નિર્ણય ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓએ લીધો હતો. રાષ્ટ્રીય કાર્યકારિણીના છેલ્લાં દિવસે સંબોધન કરતા જિનપિંગે કહ્યું હતું કે દેશના સૈન્યને ગ્રેટ વોલ ઓફ સ્ટીલ બનાવવાની દિશામાં પગલાં ભરાશે. ચીનના સાર્વભૌમત્વ અને અખંડિતતાની જે જવાબદારી નાગરિકોએ તેના પર મૂકી છે એને બરાબર નિભાવશે.

૬૯ વર્ષના જિનપિંગે કહ્યું હતું કે સુરક્ષા એ વિકાસનો આધાર છે, જ્યારે સ્થિરતા એ સમૃદ્ધિ માટેની પૂર્વશરત છે. આ બંને દિશામાં દેશના હિતામાં વધુ કાર્યકાળ દરમિયાન સઘન પગલાં ભરાશે. નેશનલ પિપલ્સ ક્રોંગેસના ૩૦૦૦ લોકો સમક્ષ આક્રમક ભાષણ આપતા જિનપિંગે ઉમેર્યું હતું કે ચીનનું વૈશ્ર્વિક સ્તરે મહત્ત્વ વધારવામાં આવશે અને કોઈ પણ રીતે લશ્કરીને મજબૂત બનાવીને ચીનને વધુને વધુ શક્તિશાળી બનાવાશે. ચીન વિશ્ર્વમાં અજેય બને તેવા પ્રયાસો કરવા ઉપરાંત આર્થિક રીતે સમૃદ્ધ કરાશે. ચીનના પ્રમુખ અમરિકા-બ્રિટનનું નામ લીધા વગર કહ્યું હતું કે વિદેશી શક્તિઓની સરખામણીએ ચીન વૈશ્ર્વિક સ્તરે મહત્ત્વનું બન્યું છે.

ચીનની પીપલ્સ કોંગ્રેસે જિનપિંગને વધુ પાંચ વર્ષનો કાર્યકાળ મંજૂર કર્યો હોવાથી આજીવન પ્રમુખ બનવા માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે. એ સાથે જ ચીન વિદેશનીતિમાં મોટા ફેરફારો કરે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.