હું છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરવાનું વિચારી પણ શક્તો નથી : : ભગતસિંહ કોશ્યારી

મુંબઇ,

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના છત્રપતિ શિવાજી મહારાજ અંગેના નિવેદન પર રાજકારણ વધુ ગરમાયું છે. આ મુદ્દે રાજકારણ ગરમાયા બાદ રાજ્યપાલ કોશ્યારીને હટાવવાની માગ પણ જોરશોરથી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં રાજકીય પાર્ટીઓએ તેમની વિરુદ્ધ પ્રદર્શન પણ શરૂ કર્યું છે.

હવે રાજ્યપાલ કોશ્યારીએ પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખીને સમગ્ર ઘટના વિશે જાણકારી આપી છે. ગૃહપ્રધાન અમિત શાહને લખેલા પત્રમાં રાજ્યપાલે કહ્યું છે કે તેઓ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરવાનું વિચારી પણ શક્તા નથી.

દરમિયાન, તેમના વંશજ, રાજ્યસભાના સાંસદ ઉદયનરાજે ભોંસલેએ પણ છત્રપતિ શિવાજી મહારાજ પર રાજ્યપાલની ટિપ્પણી પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. ઉદયનરાજે ભોંસલેએ પણ રાજ્યપાલ પદેથી હટાવવાની માગ કરી હતી. પત્રમાં સાંસદ ઉદયનરાજે ભોંસલેએ માગ કરી હતી કે “રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલા નિવેદનો રાષ્ટ્રની માન્યતાઓ વિરુદ્ધ છે. મહારાષ્ટ્રના રાજ્યપાલને હટાવવા માટે તમે કેટલાક પગલાં લેશો તો ટે યોગ્ય રહેશે.” તેમણે લખ્યું કે “આ વર્તમાન પરિસ્થિતિને ઉકેલવામાં તમારું કામ અને વિચાર-વિમર્શ મહારાષ્ટ્ર અને દેશના લોકોમાં વિશ્ર્વાસ વધારવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. તમે છત્રપતિ શિવાજી મહારાજમાં લોકોની આસ્થામાં સાથે ઊભા છો.”

આ હંગામાની વચ્ચે રાજ્યપાલ કોશ્યારીએ હવે ગૃહમંત્રી અમિત શાહને સમગ્ર પ્રકરણની જાણકારી આપી છે. કોશ્યારીએ પોતાના પત્રમાં ગૃહપ્રધાનને કહ્યું છે કે તેઓ ક્યારેય છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરવાનું વિચારી પણ ન શકે.” હાલ આ સમગ્ર મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ અટકવાની કોઈ શક્યતા નથી.