
ગાંધીનગર,લોક્સભાની ચૂંટણી નજીક આવી રહી છે એમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાજકારણમાં કોઈ કોઈના કાયમી દુશ્મન હોતા નથી. આજે એકબીજાને ભાંડનારા કાલે એક સાથે બેસીને ચા પીતા જોવા મળે છે. મહેસાણા જિલ્લાના ખેરાલુમાં રવિવારના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે હું ભાજપમાં જોડાયો ત્યારે કેટલાક આપણા લોકોએ બહુ કાગારોળ કરી, અને હમણાં તો દરરોજ જોડાય છે, એ બોલતા પણ નથી, અને બોલતા હતા એમાંથી અડધા તો આવી છે. વગેરે કહીં ગોઝારિયાનો ઉલ્લેખ કરી બળદેવજી ઠાકોર પર નિશાન તાક્યું હતું.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, એક બાજુ ૨ણ અને રણના એવા કીડા મકોડા થઈને ફરે છે. હમણાં કોઈક આગેવાન આવેલા ગોઝારિયા બાજુ ક્યાંક, એવું કહેતા હતા કે, કે આ આપણા સમાજના ભાજપના ધારાસભ્યો રહ્યા એ તો બોલી પણ નથી શક્તા એમને ચિઠ્ઠી આપવી પડે છે. તમારા કાગા ભેગા થતા નથી અને જેમના કાગા ભેગા થયેલા છે એમના પર ક્યાં આવે છે. વાત કરો છો, તમારા પોતાના તો ઠેકાણા છે નહીં અને બીજાની શું વાત કરો છો? લોક્સભા ચૂંટણી પૂર્વે કરાયેલા આ નિવેદનથી રાજનીતિ ગરમાઈ છે. બળદેવજી ઠાકોર કલોલ સીટ પરથી આ વિધાનસભામાં ચૂંટણી લડ્યા હતા. કલોલની જવાબદારી અમિત શાહે અલ્પેશ ઠાકોરને આપી હોવાથી એ સમયે પણ તેમની વચ્ચે કડવાશ વધી હતી. બળદેવજી ઠાકોર કડી સીટ પરથી ચૂંટણી લડતા હતા પણ એ અનામત બનતાં તેઓ કલોલથી લડી રહ્યાં છે. બળદેવજી ઠાકોર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના નેતા છે જેઓ હાર બાદ હવે ચૂપ થઈ ગયા છે.
આ બેઠકમાં અલ્પેશ ઠાકોરે સમાજને ખૂબ આગળ લઈ જવાની અને ગાંધીનગરમાં સમાજનું ભવ્ય શૈક્ષણિક સંકુલ બનાવવાની વાત કરીને કહ્યું કે, જે સંસ્થામાં છું, જે પાર્ટીમાં છું એની શિસ્તમાં રહીને કામ કરું છું એટલે સંયમ રાખું છું. ગુજરાતમાં આ સમાજને એટલું વધારે આપીને જઈશ. આ સમાજને ક્યારેય તકલીક નહીં પડે. અલ્પેશ ઠાકોર હાલમાં ગાંધીનગર વિધાનસભા પરથી ધારાસભ્ય છે એટલે ગાંધીનગરના વિકાસની વાતો કરે છે. અલ્પેશ ઠાકોરે ચૂંટણી સમયે મંત્રી બનવા માટે ધમપછાડા કર્યા હતા પણ હવે તેઓ સમજી ગયા છે કે ભાજપમાં ચૂપ રહીને જ મજા છે. એટલે તેઓ ચૂપચાપ પોતાના કામ કરી રહ્યાં છે.
લોક્સભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મહેસાણા નજીકના ગામમાં તાજેતરમાં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના આગેવાનોની હાજરીમાં ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક યોજાઈ હતી અને જિલ્લામાં મહાસંમેલન કરવાની જાહેરાત કરી હતી. તેવા સમયે જ હવે ખેરાલુમાં યોજાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં અલ્પેશ ઠાકોર સહિત ભાજપના આગેવાનોએ કરેલા પ્રહાર રાજકીય ગતિવિધિઓ તેજ બની હોવાનું કહીં જાય છે.