હોસ્પિટલે બાળકીને મૃત જાહેર કરી, પણ તે જીવતી નીકળી:બોક્સમાં પેક કરીને પરિવારને સોંપી

  • અઢી કલાક પછી ઘરે ખોલ્યું તો શરીરમાં હિલચાલ હતી.

નવીદિલ્હી,

દિલ્હીની લોકનાયક જયપ્રકાશ (એલએનજેપી) હોસ્પિટલમાં બેદરકારીની એક મોટી ઘટના સામે આવી છે. ડોક્ટરોની બેદરકારીને કારણે નવજાત બાળકી લગભગ અઢી કલાક સુધી બોક્સમાં બંધ રહી. હકીક્તમાં રવિવારે હોસ્પિટલમાં એક મહિલાની ડિલિવરી થઈ હતી. મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો, જેને ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. ત્યાર બાદ તેને બોક્સમાં પેક કરીને પરિવારને સોંપી હતી. સંબંધીઓએ ઘરે આવીને બોક્સ ખોલ્યું તો બાળકી જીવિત હતી. ત્યાર બાદ પરિવાર ફરીથી બાળકીને લઈને હોસ્પિટલ પહોંચ્યો અને ડોકટરોને નવજાતની હિલચાલ વિશે જાણ કરી, પરંતુ ડોકટરોએ બાળકીને જોવાની પણ ના પાડી દીધી. આ પછી પરિવારે ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો હતો. જોકે પોલીસ અધિકારીઓએ મામલો થાળે પાડ્યા બાદ હોસ્પિટલે બાળકીને ફરીથી દાખલ કરી હતી. હાલમાં બાળકી સ્વસ્થ છે અને ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.

પરિવારે ડોક્ટરો પર બાળકીની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. પરિવારે કહ્યું- સૌથી પહેલા તો હોસ્પિટલે બેદરકારી કરી બાળકીને મૃત જાહેર કરી. આ પછી તેને બોક્સમાં બંધ કરી દેવામાં આવી. ડોક્ટરોની બેદરકારીને કારણે બાળકી લગભગ અઢી કલાક સુધી બોક્સમાં બંધ રહી. તેને ગૂંગળામણ થતાં તેનું મૃત્યુ પણ થઈ શક્તું હતું.એલએનજેપી હોસ્પિટલના એમડી સુરેશ કુમારે જણાવ્યું હતું કે રવિવારે પ્રી-ટર્મ ડિલિવરી થઈ હતી. પછી બાળકીમાં કોઈ હિલચાલ જણાતી ન હતી. બાદમાં તેની હિલચાલ અંગે માહિતી મળી હતી. હાલ તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી છે. એક્સપર્ટ ડોક્ટરની ટીમ તેની દેખરેખ રાખી રહી છે. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, ૨૪ કલાકમાં વિગતવાર રિપોર્ટ મળશે. હજુ સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે બાળકી એક બોક્સમાં બંધ છે, જેને ટેપ લગાવીને સીલ કરવામાં આવ્યું છે. જ્યારે પરિવારના સભ્યોએ બોક્સ ખોલીને જોયું તો બાળકી તેના હાથ-પગ હલાવતી જોવા મળે છે. તેને જોઈને લાગે છે કે તે સંપૂર્ણ સ્વસ્થ છે. જ્યારે સેન્ટ્રલ DCP ને આ ઘટનાની માહિતી મળી તો તેમણે હોસ્પિટલ પ્રશાસન સાથે વાત કરી. આ કેસમાં પોલીસની એન્ટ્રી થયા બાદ હોસ્પિટલે બાળકીને ડોક્ટરોની દેખરેખમાં રાખી છે.