હોસ્પિટલમાં કામ કરતી વખતે મારી દીકરી પર ઘણું દબાણ હતું,પીડિતના પિતા

કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે થયેલા રેપને લઈને દેશભરમાં ગુસ્સો છે. ત્યારે આ કેસમાં કેટલાક આશ્ર્ચર્યજનક ખુલાસા થયા છે. પોલીસ સૂત્રો અનુસાર, આરોપી સંજય રોય અશ્લીલ ફિલ્મો જોતો હતો. ઘટના થઇ તે રાત્રે સંજય ઘણી વખત હોસ્પિટલમાં આવ્યો હતો અને બહાર ગયો હતો. આ જાણકારી સીસીટીવી ફૂટેજ અને અન્ય લોકોની પૂછતાછમાં સામે આવી હતી. તો બીજી તરફ લેડી ડોક્ટરના પિતાએ એવો આશ્ર્ચર્યજનક આરોપ લગાવ્યો છે, જેને લઈને રહસ્ય વધુ ઘેરાયું છે.

લેડી ડોક્ટરના પિતાએ કહ્યું કે, ‘મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે, જે પુત્રીને આટલી બધી આશાઓ સાથે ઘરેથી દૂર મોકલી રહ્યા છીએ, તેની સાથે આવી કોઈ ઘટના થઇ જશે. તેમણે કહ્યું કે, હોસ્પિટલમાં કામ કરતી વખતે મારી દીકરી પર ઘણું દબાણ હતું. સિનિયર ડોક્ટરોએ મારી દીકરીને હોસ્પિટલમાં યોગ્ય રીતે કામ ન કરવા દીધું. મને લાગે છે કે, કોઈએ મારી દીકરીની હત્યાનો કોન્ટ્રાકટ આપ્યો હતો.

લેડી ડોક્ટરના પિતાએ કહ્યું કે, ‘હોસ્પિટલના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટે અમને જણાવ્યું કે, અમારી દીકરીએ આત્મહત્યા કરી લીધી છે. આવું કેવી રીતે થઇ શકે છે. મારી દીકરી આવું ક્યારેય ન કરી શકે. મને અને મારી પત્નીને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર સંપૂર્ણ વિશ્ર્વાસ છે. ત્યારે લેડી ડોક્ટરના પિતાએ આપેલા આ નિવેદન બાદ રહસ્ય વધુ ઘેરાયું છે. કારણ કે જે પુરાવા મળી રહ્યા છે, તેને જોઈને લાગી રહ્યું છે કે, લેડી ડોક્ટર સાથે બર્બરતા કરવામાં આવી છે.

લેડી ડોક્ટરના શરીરના ઘણા ભાગો પર ઇજાના નિશાન જોવા મળ્યા છે. તેમજ પ્રાઇવેટ પાર્ટ્સ, આંખો સહિત ઘણી જગ્યાએથી લોહી નીકળવાના પણ પુરાવા મળ્યા છે.’ત્યારે પોલીસે આ કેસના મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. તેમજ પોલીસ કમિશ્ર્નરે હોસ્પિટલના જુનિયર ડોક્ટર્સ સાથે બેઠક કરી હતી અને તેમની માંગો જાણવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ ડોક્ટર્સ માનવા માટે તૈયાર નથી. જુનિયર ડોક્ટર્સની માંગો બાદ જ સરકારે મેડિકલ કોલેજ વિસ્તારના એસપીને હટાવી દીધા છે. કોલકાતા પોલીસ કમિશ્ર્નરે જણાવ્યું કે, કંઈપણ છુપાવવામાં નથી આવી રહ્યું, જે પણ દોષિત હશે તેની પર કડક કાર્યવાહી કરવામાં આવશે.