નવીદિલ્હી, એમડીએચ અને એવરેસ્ટ મસાલા વિવાદની ગરમી હવે હોંગકોંગ અને સિંગાપોર થઈને ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સુધી પહોંચી ગઈ છે. ફૂડ સ્ટાન્ડર્ડ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડએ મંગળવારે જાહેરાત કરી હતી કે તે ભારતીય કંપનીઓ એમડીએચ અને એવરેસ્ટ દ્વારા ઉત્પાદિત મસાલામાં ભેળસેળના આરોપોની તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોંગકોંગ અને સિંગાપોર જેવી કાર્યવાહી બાદ ઓસ્ટ્રેલિયાના માર્કેટમાંથી પણ આ પ્રોડક્ટ્સને પરત બોલાવી શકાય છે.
હોંગકોંગે તાજેતરમાં ત્રણ એમડીએચ મસાલા અને એવરેસ્ટના ફિશ કરી મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. સિંગાપોરે ઇથિલિન ઓક્સાઈડના વધુ પડતા સ્તરને ટાંકીને બજારમાંથી એવરેસ્ટ મસાલાને પાછો બોલાવ્યો છે. આ એક એવું રસાયણ છે જે લાંબા સમય સુધી તેના સંપર્કમાં રહેવાથી કેન્સર થઈ શકે છે.
અમે આ મુદ્દાને સમજવા માટે આંતરરાષ્ટ્રીય સમકક્ષો સાથે અને ઓસ્ટ્રેલિયામાં વધુ કાર્યવાહીની જરૂર છે કે કેમ તે નક્કી કરવા માટે ફેડરલ, રાજ્ય અને પ્રદેશ ખાદ્ય અમલીકરણ એજન્સીઓ સાથે કામ કરી રહ્યા છીએ, એજન્સીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં વેચાતા ખાદ્યપદાર્થોમાં ઇથિલિન ઓક્સાઇડનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. જો કાર્યવાહી આગળ વધે છે, તો અસરગ્રસ્ત ઉત્પાદનો બજારમાંથી પાછા બોલાવવામાં આવી શકે છે. એમડીએચ અને એવરેસ્ટ યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકામાં નોંધપાત્ર હાજરી સાથે ભારતની અગ્રણી મસાલા બ્રાન્ડ્સ છે.
અમેરિકામાં યુનાઈટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પણ આ મામલે તપાસ કરી રહ્યું છે. ભારતમાં ખાદ્ય નિયમનકારે એમડીએચ અને એવરેસ્ટ બંનેની ઉત્પાદન સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું છે.
ભારતીય મસાલાઓ પર પ્રશ્ર્નો ઉભા થયા હોવાથી અને આંતરરાષ્ટ્રીય નિયમનકારો દ્વારા તપાસ શરૂ થઈ હોવાથી ખાદ્ય ચીજો અંગે આરોગ્યની ચિંતા વધી છે. ઑસ્ટ્રેલિયાના ઉપભોક્તાઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ તપાસ બાદ સંભવિત રિકોલ વિશે જાગૃત રહે અને ખરીદી કરતી વખતે ખાદ્ય સુરક્ષા સુનિશ્ર્ચિત કરે.