વોશિગ્ટન, દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડના લેખકો સારા વેતનની માંગને લઈને લાંબા સમયથી હડતાળ પર છે, હવે આ હડતાળમાં હોલીવુડના કલાકારો પણ જોડાયા છે.આટલા મોટા પાયે કલાકારો હડતાળ પર ઉતરી ગયા છે ત્યારે લગભગ છ દાયકા બાદ હોલીવુડમાં ફરી આવી તસવીરો જોવા મળી રહી છે. હકીક્તમાં, યુનિયનો નવા કોન્ટ્રાક્ટ માટે ફિલ્મ સ્ટુડિયો અને સ્ટ્રીમિંગ કંપનીઓ સાથે વાટાઘાટો કરી રહ્યા હતા. પરંતુ આ ચર્ચા નિષ્ફળ ગઈ. આ પહેલીવાર બન્યું છેકે હોલીવુડનાં બે મોટા યુનિયન હડતાળ પર હોય. આ અગાઉ ૧૯૬૦માં આવું બન્યું હતું.
હડતાળની ઘોષણા પછી, એક્ટર્સ યુનિયનના પ્રમુખ અને ધ નેની ફિલ્મના સ્ટાર ફ્રેન ડ્રેસરે એક ભાષણ આપ્યું, જેમાં તેમણે ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા અધિકારીઓને ઠપકો આપ્યો. તેમણે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે નોકરીદાતાઓ તેમના લોભને પ્રાથમિક્તા આપે છે અને સમગ્ર ઉદ્યોગ ચલાવનારાઓને ભૂલી જાય છે. તેણે કહ્યું કે આ ખૂબ જ ખરાબ છે. તેમના પર શરમ. તે ઈતિહાસની ખોટી બાજુએ ઉભો છે.
ક્રિસ્ટોફર નોલાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ઓપેનહાઇમરનું ગઈકાલે લંડનમાં પ્રીમિયર હતું. હોલીવુડમાં શરૂ થયેલી આ હડતાળની મોટી અસર આ ફિલ્મના પ્રીમિયર પર જોવા મળી હતી. વાસ્તવમાં, નિર્માતાઓએ નિર્ધારિત સમય કરતાં એક કલાક પહેલાં પ્રીમિયર શરૂ કરવાનું નક્કી કર્યું જેથી કરીને હડતાળની જાહેરાત થાય તે પહેલાં સ્ટાર્સ રેડ કાર્પેટ પર આવી જાય.
સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ (એસએજી) અને અમેરિકન ફેડરેશન ઓફ ટેલિવિઝન એન્ડ રેડિયો આર્ટિસ્ટ્સ (એએફટીઆરએ) બંને હોલીવુડના સૌથી મોટા યુનિયન છે. જેમાં લગભગ ૧ લાખ ૬૦ હજાર ફિલ્મ અને ટેલિવિઝન કલાકારોનો સમાવેશ થાય છે. રાઈટર્સ ગિલ્ડ ઓફ અમેરિકા માંગ કરી રહ્યું છે કે તેમનો બેઝ પે (પગાર) વધારવામાં આવે અને તેમને ફિલ્મો અને સિરીઝમાંથી પણ રોયલ્ટી મળવી જોઈએ. આ સિવાય તેઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે બદલવામાં ન આવે તેવી પણ માંગ કરી રહ્યા છે.