હોળી પર્વે દાહોદ ધબક્યું : મેળા જામશે

  • ચુલ, ચાડીયા, રાડ અને ગોળ ગધેડાના મેળા આકર્ષણ જમાવશે.
  • ગરબાડામાં આજે ગલાલિયો હાટ, હિજરતીઓ વતન પરત ફર્યા.
  • છઠ્ઠી સુધીમાં વિવિધ સ્થળે પર(બાવન) મેળા ભરાશે.

દાહોદ,

દાહોદ શહેરમાં સોૈથી મોટી ગણાતી ગાંધી ચોક વિસ્તારમાં પ્રગટાવાય છે. શહેરમાં સોૈ પ્રથમ આ સ્થળે હોળી પ્રગટાવવાની વર્ષોની પરંપરા છે. આ હોળીને સરકારી હોળી પણ કહેવામાં આવતી હતી. અલય દરજીએ જણાવ્યું હતું કે અહીં છઠ્ઠી તારીખે સોમવારે સાંજના 7.1પ વાગ્યે હોળી પ્રગટાવવામાં આવશે. દર વર્ષે અહીં જુદા જુદા સમાજને આમંત્રણ આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે પંચાલ સમાજ દ્વારા પુજા વિધિ સાથે હોળી પ્રાગટ્ય કરવામાં આવશે. અહીં હોળી પ્રાગટ્ય બાદ અન્ય આસપાસના વિસ્તારના શ્રધ્ધાળુ અહીંની હોળીની આગ લઈને દોડતા જઈ અને પોતાની હોળી પ્રગટાવશે. આ વર્ષો જુની પરંપરા છે.

દાહોદ જિલ્લામાં હોળી – ધુળેટીનો મેળા સાથે પ્રખ્યાત અને પારંપારિક એવા ચુલ, ચાડિયા અને ગોળ ગધેડાના મેળા ભરાનાર છે. ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બનેલી રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા સ્કીમ બનાવવામાં આવી છે. દરેક મેળા માટે અલાયદા પોલીસ બદોબસ્તની ફાળવણી કરવામાં આવી છે. આ મેળાઓ ટાંણે ખાસ પેટ્રોલીંગ કરાશે.

આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં પર્વનું વિશેષ મહત્વ હોવાને કારણે પર (બાવન) ગામોમાં મજુરી કરવા ગયેલી પ્રજા માદરે વતન પરત ફરી રહી છે. હોળીની ઉજવણીનો આરંભ અગિયારસથી થયો છે. પરંતુ જિલ્લાના વિવિધ ગામોમાં છઠ્ઠી સુધી વિવિધ પ્રકારના પર(બાવન) મેળા ભરાશે. હોળીના પર્વ ટાણે દાહોદ જિલ્લાના ગામડાઓમા ચહલ-પહલ જોવા મળે છે. હોળીના પર્વે જિલ્લામાં ચુલ, ચાડિયા અને ગોળ ગધેડાના નામે પ્રખ્યાત આ મેળાઓ છઠ્ઠ સુધી ચાલશે. હોળી પુર્વે ભરાતા હાટોમાં મોટી સંખ્યામાં ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે. રવિવારના રોજ ગરબાડાના ગલાલિયો હાટમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી તેમજ ફરવા માટે ઉમટી પડ્યા હતા.

આદિવાસી વિસ્તારમાં હોળી પર્વે યોજાતા મેળાઓની વિશેષતા :

ગોળ ગધેડાનો મેળો :

ભુતકાળમાં આદિવાસી સમાજમાં સ્વયંવરના મેળા તરીકે લેખાતો આ મેળો યોજાય છે. ગરબાડાના જેસાવાડામાં, ઝાબુમાં, ઝાપટીયા, કતવારા, ગમલા અને નવાગામમાં આ મેળાઓ યોજાશે. જોકે, હવે આ પ્રથા બદલાઈ છે. થાંભલે બાંધેલી ગોળની પોટલી ઉતારવા હોડ જામે છે.

ચુલનો મેળો :

ધુળેટીના દિવસે અતિ પ્રચલિત ચુલનો મેળો ભરાય છે. લાંબી ચુલ ખોદી લાકડા સળગાવીને બળબળતા અંગારા ઉપર શ્રધ્ધાળુઓ ચાલે છે અને પોતાની માનતાઓ પુરી કરે છે. તેમજ ઠંડી ચુલમાં પણ ચાલવાનો રિવાજ જોવા મળે છે. લોકો શ્રધ્ધાથી ચુલ પર ખુલ્લા પગે ચાલે છે.

ચાડિયાનો મેળો :

ચાડિયાના મેળામાં ઝાડ ઉપર ગોળ, રૂપિયા અને નારિયેળની પોટલી બાંધવામાં આવે છે. નિ:સંતાન પુરૂષ હોય તેઓમાં આ પોટલી ઉતારવા હોડ લાગે છે. આ પોટલી ઉતારવામાં સફળ થનાર પુરૂષના ઘરે પારણું બંધાતુ હોવાની વર્ષોથી માન્યતા છે.

ચુલના મેળા ક્યાં અને ક્યારે યોજાશે :

ગરબાડા તાલુકાના જેસાવાડા, અભલોડ, નેલસુર, દાહોદ તાલુકાના રાણાપુર ખુર્દ, નગરાળા, ખરોદા, રોઝમ, નવાગામ, રાછરડા, ખંગેલા, લીલર, દુધિયા, બાંડીબાર, પીપેરો, કુણધા, ચીલાકોટા, અગાસવાણી, પીપોદરા, કાળીગામ, નળુ, ડુંગરપુર, ટીમરવામાં ચુલના મેળા સહિત પર(બાવન) સ્થળે મેળા ભરાશે.