હોળીનો દાંડો રોપાયો, હવે મેળાની મોસમ

દાહોદ, દાહોદ શહેર સહિત જીલ્લામાં શનિવારે સંખ્યાબંધ ગામોમાં પૂનમે હોળીનો દાંડો રોપાયો હતો. બરોબર એક માસ બાદ 24 માર્ચના રોજ હોલિકા દહન કરવામાં આવશે. ત્યારે આ દરમિયાન દાહોદ જીલ્લામાં ભાતીગળ મેળાઓની પણ મોસમ જામશે. આદિવાસી બાહુલ્ય ધરવતાં દાહોદ જીલ્લામાં હોળી પર્વનું વિશેષ મહત્વ હોવાને કારણે પરગામોમાં મજૂરી કરવા ગયેલી પ્રજા માદરે વતન પરત ફરશે. હોળીનો દાંડો રોપાઇ ગયો છે. ત્યારે આગામી 20 માર્ચથી માંડીને સતત 11 દિવસ આખા જીલ્લામાં વિવિધ પ્રકારના 52 મેળા ભરાશે. પારંપારિક અને વિશેષ મહત્વ ધરાવતાં આ મેળાઓમાં આદિવાસી સંસ્કૃતિની આગવી ઝલક જોવા મળશે.

પૂનમના રોજ દાહોદ શહેર સહિત જીલ્લામાં ગામેગામ હોળીનો દાંડો પૂરા વિધિ વિધાન સાથે રોપવામાં આવ્યો હતો. આ દાંડો રોપાયા બાદ જીલ્લામાં વિવિધ સ્થળોએ છઠ સુધી મેળા ભરાશે અને આ દિવાસી સમાજ ઉજવણીમાં વ્યસ્ત બનશે. આ સાથે હોળીના ઢોલ ઢબુકવા સાથે જીલ્લામાં ચૂલ, ચાડિયા અને ધુળેટીના મેળાઓ ભરાશે. હોળી પ્રગટાવવા સરકાર તરફથી નાણાં અપાતા હતા દાહોદ શહેરમાં પાંચ બત્તી વિસ્તારની હોળીને મોટી હોળી કહેવામાં આવે છે. તેને વર્ષો અગાઉ સરકારી હોળી કહેવાતી હતી. શહેરમાં પાંચ બત્તી તેમજ દેસાઇવાડ ચોકમાં વર્ષો અગાઉ હોળી માટે સરકાર તરફથી નાણાં આપવામાં આવતા હતા. તેના કારણે જ આ હોળીને સરકારી હોળી કહેવાય છે. જોકે, હવે રૂપિયા આપવાની એવી કોઇ પ્રથા જોવા મળતી નથી.