હોળીના રંગોમાં રંગાયેલું અમેરિકા; ન્યુયોર્કમાં હજારો લોકોએ તહેવારની ઉજવણી કરી

ન્યુયોર્ક, હોળીના રંગો માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્ર્વના ઘણા ભાગોમાં જોવા મળ્યા હતા. હોળીના દિવસે લોકો એકબીજા પર રંગો લગાવે છે અને તમામ વેરઝેર ભૂલીને એકબીજાને ગળે લગાડે છે. દરેક જણ તહેવારની ઉજવણીમાં ડૂબેલા દેખાય છે. આવું જ કંઈક ન્યૂયોર્કના સાઉથ સ્ટ્રીટ સીપોર્ટ પર જોવા મળ્યું. અહીં સાત હજારથી વધુ ભારતીય અને અમેરિકન લોકોએ સાથે મળીને રંગોનો તહેવાર ઉજવ્યો હતો.

ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ભારતની સાંસ્કૃતિક અને રાંધણ વિવિધતાને પ્રકાશિત કરતી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ પહેલનું પ્રદર્શન કરીને ઉજવણીને વિશેષ બનાવી. સાઉથ સ્ટ્રીટ સીપોર્ટ પર ઉત્તેજનાનો માહોલ હતો. અહીં લોકો એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. તેઓએ એકબીજાને રંગોથી ભીંજાવ્યા અને બોલિવૂડના સંગીત અને ડ્રમના તાલે જોરશોરથી ડાન્સ પણ કર્યો.

કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાએ પણ ભારતીય ભોજનની વ્યવસ્થા કરી હતી. અહીં જે સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી તે ભારતીય મોનસૂન મલબાર કોફી હતી. દરેક વ્યક્તિ આ કોફીનો આનંદ માણી રહ્યો હતો. વધુમાં, લોકોએ બાજરીની કૂકીઝ અને ચોકલેટનો આનંદ માણ્યો હતો.

ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર જણાવ્યું હતું કે ન્યૂયોર્કના સાઉથ સ્ટ્રીટ સીપોર્ટ પર ૭૦૦૦ થી વધુ ભારતીયો અને અમેરિકનોએ હોળીની ઉજવણી કરી હતી. રાષ્ટ્રપતિ જો બિડેને પણ સોમવારે હોળીની શુભેચ્છા પાઠવી હતી.

બિડેને સોશિયલ મીડિયા પર એક અભિનંદન સંદેશમાં જણાવ્યું હતું કે વિશ્ર્વભરમાં લાખો લોકો વસંત અને હોળીના આગમનની ઉજવણી ગુલાલ અને વાઇબ્રન્ટ રંગો સાથે કરી રહ્યા છે. જીલ બિડેન અને હું રંગોના તહેવારને ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવનારા તમામને અમારી શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

આ સાથે જ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ હોળીની શુભેચ્છા પાઠવી હતી. અમેરિકા અને વિશ્ર્વભરમાં હોળીની ઉજવણી કરનારાઓને શુભકામનાઓ, તેમણે એકસ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું. રંગોનો તહેવાર આ મોસમ તમારા માટે ખુશીઓ અને સ્નેહ લઈને આવે.