ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઈઝરાયલની સેના હિઝબુલ્લાહની જગ્યાઓ પર સતત બોમ્બમારો કરી રહી છે. સેના તરફથી સોમવારે એવો દાવો કરવામાં આવ્યો છે કે હિઝબુલ્લાહનાં એવાં ઠેકાણાં પર પહોંચી ગઈ છે, જ્યાં 500 મિલિયન ડોલરની રોકડ અને સોનું છુપાવવામાં આવ્યું છે. આ ખુલાસો રવિવારે રાત્રે ઈઝરાયલી એરફોર્સ દ્વારા હિઝબુલ્લાહની નાણાકીય સંપત્તિને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલા બાદ કરવામાં આવ્યો છે.
IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ એક ટેલિવિઝન બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે.. અમે હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર પહોંચી ગયા છીએ, બંકર બૈરૂતના મધ્યમાં અલ-સાહેલ હોસ્પિટલની નીચે સ્થિત છે.
હગારીએ કહ્યું હતું કે ખજાના વિશે માહિતી હોવા છતાં તેના પર હજુ સુધી કોઈ સીધો હુમલો થયો નથી. તેમણે કહ્યું હતું કે અનુમાન મુજબ આ બંકરમાં ઓછામાં ઓછા 500 મિલિયન ડોલરના અડધા મૂલ્યની સંપત્તિ હોઈ શકે છે. આ સંસાધનનો ઉપયોગ લેબનીઝ રાજ્યના પુનઃનિર્માણ માટે થઈ શકે છે.
અહેવાલો અનુસાર, હિઝબુલ્લાહ સાથે જોડાયેલી લગભગ 30 સાઇટ્સને રવિવારે રાત્રે એરસ્ટ્રાઇકમાં નિશાન બનાવવામાં આવી હતી, જેમાં હિઝબુલ્લાહ સાથે જોડાયેલી નાણાકીય કંપની અલ-કર્દ અલ-હસન (AQAH) દ્વારા સંચાલિત સાઇટ્સનો સમાવેશ થાય છે. AQAH, એક ચેરિટી તરીકે નોંધાયેલી હોવા છતાં ઈઝરાયલ અને યુએસ બંને દ્વારા હિઝબુલ્લાહની મહત્ત્વપૂર્ણ નાણાકીય શાખા તરીકે સેવા આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જે લશ્કરી હેતુઓ માટે રોકડ અને સોનાના ભંડારની એક્સેસની સુવિધા આપે છે. હગારીએ દાવો કર્યો હતો કે આ ભંડોળનો ઉપયોગ હાલમાં ઈઝરાયલ પર હુમલો કરવા માટે થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે ઈઝરાયલ તરફથી આવા હુમલા થતા રહેશે.
સોમવારે પૂર્વી લેબનીઝ શહેર બાલબેકમાં એક ઘર પર ઈઝરાયલના ડ્રોન હુમલામાં છ લોકો માર્યા ગયા હતા અને અન્ય 8 લોકો ઘાયલ થયા હતા. લેબનનની સત્તાવાર રાષ્ટ્રીય સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ઈઝરાયલી ડ્રોન મધ્ય બાલબેકના નબી ઇનામ પાડોશમાં ઘર પર ત્રાટક્યું હતું. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. સિવિલ ડિફેન્સ ટીમોએ મૃતદેહોને બહાર કાઢ્યા, જ્યારે લેબનીઝ રેડ ક્રોસે ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં પહોંચાડ્યા.
દરમિયાન હિઝબુલ્લાહે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે રવિવારે સાંજે દક્ષિણ લેબનનમાં ઈઝરાયલી દળો સાથે ગોળીબાર દરમિયાન ઈઝરાયલી હર્મેસ-900 ડ્રોનને તોડી પાડ્યું હતું. જૂથે જણાવ્યું હતું કે 8 ઓક્ટોબર, 2023થી દક્ષિણ અને પૂર્વીય લેબનનમાં તોડી પાડવામાં આવેલું એ નવમું ડ્રોન હતું.
ઈઝરાયલી દળોએ રવિવારે રાત્રે લેબનનમાં હિઝબુલ્લાહ સાથે જોડાયેલી બેંકોને નિશાન બનાવી હતી. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ આ વાતની પુષ્ટિ કરી હતી. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, અલ-કર્દ અલ-હસન એસોસિયેશન હિઝબુલ્લાહના સભ્યોને વ્યાજમુક્ત લોન આપે છે. સમગ્ર લેબનનમાં એની 31 શાખા છે.
IDFએ કહ્યું હતું કે અમે હિઝબુલ્લાહને યુદ્ધ માટે નાણાં પૂરાં પાડવાથી રોકવા માટે બેંક શાખાઓને નિશાન બનાવી રહ્યા છીએ. IDFએ દાવો કર્યો હતો કે અલ-કર્દ અલ-હસન પાસે મોટી રકમની એક્સેસ હતી, જેનો ઉપયોગ હિઝબુલ્લાહે ઈઝરાયલ સામે કર્યો હતો