હિઝબુલ્લાહ ઘૂંટણિયે પડ્યું?:નસરાલ્લાહના જમાઈના મોતનો દાવો, સિરિયા હુમલામાં મૃત્યુ; લેબનને કહ્યું- હિઝબુલ્લાહ યુદ્ધવિરામ માટે તૈયાર હતું

ઈઝરાયલે હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહના જમાઈ હસન જાફર અલ-કાસીરને પણ માર્યો હોવાનો દાવો કર્યો હતો. સમાચાર એજન્સી AFPએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ઇઝરાયલી સેનાએ બુધવારે સિરિયાની રાજધાની દમાસ્કસમાં હવાઈહુમલો કર્યો હતો, જેમાં તેનું મોત થયું હતું. તેની સાથે વધુ બે લોકો માર્યા ગયા છે.

27 સપ્ટેમ્બરે ઇઝરાયલે રાજધાની બૈરૂતમાં હિઝબુલ્લાહના મુખ્યાલય પર 80 ટન બોમ્બથી હુમલો કર્યો હતો, જેમાં હિઝબુલ્લાહના ચીફ નસરાલ્લાહ માર્યો ગયો હતો. આ હુમલામાં નસરાલ્લાહ ઉપરાંત તેની પુત્રી ઝૈનબનું પણ મોત થયું હતું.

ઈઝરાયલ એકસાથે અનેક મોરચે લડી રહ્યું છે. લેબનનમાં હિઝબુલ્લાહ, ગાઝામાં હમાસ, યમનમાં હુતિ બળવાખોરો ઉપરાંત ઈઝરાયલની સેના સિરિયા અને ઈરાનનો સામનો કરી રહી છે.IDFએ કહ્યું કે તેણે બુધવારે રાત્રે લેબનનના બિન્ત જબલ ગામમાં એક બિલ્ડિંગ પર હવાઈ હુમલો કર્યો. હુમલામાં હિઝબુલ્લાના 15 સભ્યો માર્યા ગયા હતા. ઇઝરાયલે આ હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે.

લેબનનથી છોડવામાં આવેલ ડ્રોનને ઇઝરાયલની એરફોર્સે નહારિયાના દરિયાકાંઠે તોડી પાડ્યું છે. આ સિવાય લેબનને ઇઝરાયલના અપર ગેલિલી શહેર પર હુમલો કરવા માટે 25 રોકેટ પણ ઝીંક્યા હતા, જેમાંથી મોટાભાગનાને IDF દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.

હિઝબુલ્લાના ચીફના મોત બાદ ઈરાકમાં નવજાત બાળકોના નામ હસન નસરાલ્લાહ રાખવાનું ચલણ વધ્યું છે.ઈરાકના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આખા દેશમાં લગભગ 100 બાળકોના નામ ‘નસરાલ્લાહ’ નામથી નોંધાયેલા છે.