હિઝબુલનો ટોપ મોસ્ટ કમાન્ડર ઈમ્તિયાઝ આલમ પાકિસ્તાનમાં માર્યો ગયો

ઈસ્લામાબાદ,

હિઝબુલ મુજાહિદ્દીનના સંસ્થાપક સભ્ય અને ત્રીજા નંબરના કમાન્ડર ઈમ્તિયાઝ આલમ ઉર્ફે બશીર અહેમદ પીર પાકિસ્તાનમાં માર્યો ગયો છે. ઈમ્તિયાઝ આલમની રાવલપિંડીમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઈમ્તિયાઝને કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે હંમેશા જવાબદાર માનવામાં આવે છે. ગયા વર્ષે ૪ ઓક્ટોબરે, ભારત સરકારે યુએપીએ હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો.ઈમ્તિયાઝ આલમ પાકિસ્તાનના રાવલપિંડીમાં રહેતો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારના નોટિફિકેશનમાં જણાવાયું છે કે પીર હિઝબુલ મુજાહિદ્દીન લશ્કર-એ-તૈયબા અને અન્ય ગતિવિધિઓને આગળ વધારવા માટે ભૂતપૂર્વ આતંકવાદીઓ અને અન્ય કેડરોને એક કરવા માટે ઘણા ઓનલાઈન પ્રચાર જૂથોમાં સામેલ હતો.

ઈમ્તિયાઝ આલમ પર ૨૩ મે ૨૦૧૯ના રોજ કાશ્મીરમાં અલ-કાયદાની શાખા અંસાર ગઝવત-ઉલ-હિંદના મુખ્ય કમાન્ડર ઝાકિર મુસાની હત્યા કરવાનો આરોપ હતો. બીજી તરફ મે ૨૦૧૭ માં તેણે પાકિસ્તાન તરફી હિઝબુલ મુજાહિદ્દીન છોડી દીધી અને ખિલાફતની સ્થાપના અને શરિયા કાયદાના અમલ માટે હાકલ કરી હતી. માર્ચ ૨૦૦૭માં પાકિસ્તાન આર્મીના ડિરેક્ટોરેટ ઓફ મિલિટરી ઈન્ટેલિજન્સે ઈમ્તિયાઝ આલમને કસ્ટડીમાં લીધો હતો. જોકે આઇએસઆઇના આદેશ પર તેને ટૂંક સમયમાં છોડી દેવામાં આવ્યો હતો.

આઈએસઆઈએ ઈમ્તિયાઝને જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને ઘુસાડવાનું કામ સોંપ્યું હતું. તે જમ્મુ-કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબાના ભૂતપૂર્વ આતંકવાદીઓને ફરીથી સક્રિય કરી રહ્યો હતો. તે ઈન્ટરનેટ દ્વારા સતત લોકોને કાશ્મીર વિરુદ્ધ ઉશ્કેરતો હતો.