
જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. 23 સપ્ટેમ્બરે શરૂ થયેલા ઈઝરાયલ હુમલા બાદ આ સૌથી જોરદાર વિસ્ફોટ હતો. આ હુમલાના થોડા સમય પછી આ સમાચાર ઇઝરાયલી મીડિયામાં ફ્લેશ થયા. હુમલામાં હિઝબુલ્લાહના ચીફ રહેલા નસરાલ્લાહના ભાઈ હાશિમ સૈફિદ્દી માર્યો ગયો છે. હિઝબુલ્લાહના મિસાઈલ પ્રોડક્શન ચીફ મહમૂદ યુસુફ અનીસી પણ માર્યો ગયો હોવાના અહેવાલ છે.લેબનનમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ભાસ્કર રાજધાની બૈરૂતમાં એવાં સ્થળોએ પહોંચ્યું, જ્યાં હુમલાની અસર સૌથી વધુ જોવા મળી રહી છે. બે દિવસ લેબનનમાં વિતાવ્યા બાદ સમજાયું કે બૈરૂતમાં ઈઝરાયલના હુમલા રાત્રે જ થઈ રહ્યા છે.
એક દિવસ પહેલાં 3 ઓક્ટોબરની સાંજે અમે હિઝબુલ્લાહના ગઢ દાહિયા પાસે પડાવ નાખ્યો હતો. એમ વિચારીને કે ક્યાંક હુમલો થશે તો તરત જ એ સ્થળે પહોંચી જઈશું. છેલ્લા 3-4 દિવસથી આ વિસ્તારમાં સતત વિસ્ફોટ થઈ રહ્યા છે. ઈઝરાયલના ડ્રોનનો અવાજ આવી રહ્યો છે. ઈઝરાયલ આ ડ્રોન દ્વારા દરેક વ્યક્તિ અને વાહનની હિલચાલ પર નજર રાખી રહ્યું છે. ડ્રોન નજરમાં આવ્યા વિના બૈરૂતનનું મોનિટર કરે છે.
અમે રાત્રે 3 વાગ્યા સુધી આ વિસ્તારમાં ફરતા રહ્યા. અત્યારસુધી કોઈ હુમલો થયો નથી. બૈરૂતમાં આખી રાત સન્નાટો હતો. લોકો ઘરની બહાર નીકળતા નથી. સમગ્ર દિવસ દરમિયાન સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સ ઇનપુટનો ઉપયોગ કરીને ઇઝરાયલ હિઝબુલ્લાહનાં લક્ષ્યોને પસંદ કરે છે અને એરક્રાફ્ટ-ડ્રોન વડે ટાર્ગેટને નાશ કરે છે.દાહિયામાં સવારે સાડાચાર વાગ્યે જોરદાર વિસ્ફોટ થયો. વિસ્ફોટના અવાજ પ્રમાણે અમે એ વિસ્તારમાં પહોંચ્યા. દૂરથી ધુમાડો નીકળતો નજર પડ્યો. થોડે દૂર ગયા બાદ રસ્તા પર કાટમાળ જોવા મળ્યો. અમે કાટમાળમાંથી કારને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ લોખંડના ટુકડાને કારણે કારનું ટાયર પંચર થઈ ગયું. અમે કાર ત્યાં મૂકીને પગપાળા આગળ વધ્યા.

થોડા સમય પછી હુમલાની જગ્યા સામે હતી. એ રહેણાક વિસ્તાર હોવાનું જણાયું હતું, પરંતુ હુમલાના અડધા કલાક સુધી આસપાસ કોઈ દેખાયું નહીં. ચારેબાજુ સન્નાટો હતો. 3થી 4 આઠ માળની ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી. કાટમાળની અંદરથી જ્વાળાઓ નીકળી રહી હતી. અવકાશ કાળા ધુમાડાથી ભરાઈ ગયું.
અમે નાશ પામેલી ઇમારતોની નજીક ગયા. એનો કાટમાળ નીચે અંડરગ્રાઉન્ડ ફ્લોરમાં દટાયેલો હતો. ભૂગર્ભ માળ ખરેખર હિઝબુલ્લાહનાં બંકરો હતાં. આમાં એનું કમાન્ડ સેન્ટર સામેલ હતું, જે બિલ્ડિંગના અનેક ફ્લોર નીચે સુધી બનેલા હતા. અહીંથી હિઝબુલ્લાહ કમાન્ડરો તેમના લડવૈયાઓને ઓપરેટ કરતા હતા.અમે આ કમાન્ડ સેન્ટરને કાટમાળમાં ફેરવાયેલું જોઈ શકતા હતા. બંકરમાંથી ઊંચી જ્વાળાઓ નીકળી રહી હતી. પછી નજીકમાં જોવા મળતા લોકોએ કહ્યું કે બૈરુતમાં ઇઝરાયલના હુમલામાં આ અત્યારસુધીનો સૌથી જોરદાર વિસ્ફોટ હતો.
અલગ-અલગ ઈમારતોમાં ગ્રાઉન્ડ ફ્લોરની નીચે બનેલા કમાન્ડ સેન્ટર ટનલ દ્વારા એકબીજા સાથે જોડાયેલાં હતાં. હુમલાના કિસ્સામાં બચવા માટે ટનલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈઝરાયલને સમજાયું જ હશે કે આ કમાન્ડ સેન્ટરો એકબીજાં સાથે જોડાયેલાં છે, તેથી જો કોઈ એક સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો હોત તો હિઝબુલ્લાહના કમાન્ડરો બચી શક્યા હોત, જેથી તેણે એકસાથે ચારેય ઈમારતો પર હુમલો કર્યો.