
નવીદિલ્હી, ભારતમાં આ વર્ષે અલ નિનોની સ્થિતિના કારણે માર્ચથી મે મહિના સુધીમાં આકરી ગરમી, હીટવેવ અને લૂની આગાહી કરી છે. હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું છે કે ભારતમાં માર્ચથી મેના સમયમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે. આ સમયમાં હીટવેવની સંખ્યા પણ વધુ રહી શકે છે. જોકે, અત્યારે ઉત્તર ભારતમાં વાતાવરણ પલટાયું છે અને આગામી ત્રણ-ચાર દિવસ સુધી વરસાદની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાથી સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે ૬૫૦થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે.
હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે, ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ, મધ્ય અને પ્રાયદ્વિપના કેટલાક વિસ્તારો સિવાય મોટાભાગના ભારતમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે. દેશના કેટલાક ભાગો વિશેષરૂપે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં હીટવેવવાળા દિવસોની સંખ્યા વધી જશે.
જોકે, માર્ચ મહિનામાં ઉત્તર અને મય ભારતમાં હીટવેવની શક્યતા ઓછી છે. મે મહિના પછી સ્થિતિ સામાન્ય બનવાની સંભાવના છે. હવામાન વિભાગના વડાએ કહ્યું હતું કે ફેબુ્રઆરીમાં સરેરાશ લઘુત્તમ તાપમાન ૧૪.૬૧ ડિગ્રી સે. નોંધાયું હતું, જે વર્ષ ૧૯૦૧ પછી ફેબુ્રઆરીમાં બીજુ સૌથી ઊંચું તાપમાન હતું.
વધુમાં માર્ચથી મે મહિનાના સમય દરમિયાન દક્ષિણ ભારતમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગોમાં પણ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. પૂર્વોત્તર ભારત, મહારાષ્ટ્રના અનેક વિસ્તારો અને ઓડિશાના કેટલાક ભાગોમાં લૂ વધવાની સંભાવના છે. દક્ષિણ ભારતમાં માર્ચ મહિનો શરૂ થવાની સાથે જ ગરમી શરૂ થઈ ગઈ છે. તેલંગણાના હૈદરાબાદ અને અન્ય ભાગોમાં અત્યારથી ગરમીનો પારો ૪૦ ડિગ્રી સે.ના સ્તરે પહોંચી ગયો છે. તેલંગણા રાજ્ય વિકાસ આયોજન સોસાયટીમાં સૌથી વધુ તાપમાન ૩૯ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં આગામી પાંચ દિવસમાં તાપમાન ૩૬-૪૦થી વચ્ચે રહેવાની સંભાવના છે.
દરમિયાન વર્તમાન સમયમાં ઉત્તર ભારતમાં વાતાવરણ પલટાયું છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા ચાલુ છે તથા મેદાની વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ અને હિમવર્ષના કારણે હિમાચલમાં મોટાભાગના વિસ્તારોમાં વીજળી અને પાણીની સુવિધા પહોંચી શકી નથી. હિમાચલમાં લાહૌલ અને સ્પિતિ જિલ્લામાં રવિવારે સવારે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે ચીનાબ નદીમાં પાણીના પ્રવાહમાં અવરોધો ઊભા થયા હતા, જેથી આજુબાજુના વિસ્તારોમાં એલર્ટ અપાઈ હતી. રાજ્યમાં છેલ્લા બે દિવસથી ચાલતી હિમવર્ષા અને વરસાદના કારણે પાંચ રાષ્ટ્રીય હાઈવે સહિત ૬૫૦થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને સેંકડો પ્રવાસીઓએ પરેશાન થયા છે. સ્થાનિક તંત્રે લોકોને શીમલાના પર્વતીય વિસ્તારોમાં પ્રવાસ નહીં કરવાની સલાહ આપી છે.
એ જ રીતે જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષાના કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક અટવાયો હતો. જોકે, એનએચએઆઈએ તાત્કાલિક કામગીરી કરીને ટ્રાફિક ફરી શરૂ કરાવ્યો હતો. જોકે, કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે જોડતો ૨૭૦ કિ.મી. લાંબો હાઈવે સતત બીજા દિવસે બંધ રહ્યો હતો. હિમવર્ષાના કારણે રામબન જિલ્લામાં ૨૦૦ પ્રવાસીઓ સહિત સેંકડો પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ હાઈવે શનિવારે ભૂસ્ખલનના કારણે બંધ થઈ ગયો હતો.
બીજીબાજુ ઉત્તર પ્રદેશ, બિહાર, મય પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં રવિવારે વરસાદ અને કરાં પડયા હતા. ઉત્તર પ્રદેશમાં અલગ અલગ વિસ્તારોમાં વીજળી પડવાથી ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા. હરિયાણામાં પણ એક માતા અને પુત્ર ખેતરમાં કામ કરતા હતા ત્યારે વીજળી પડતા તેમનાં મોત થયા હતા.